‘ધ કેરળ સ્ટોરી 2’ પર સેન્સરની કડક કાતર: 16 મોટા કટ : બળાત્કાર અને કિસિંગ સીન્સમાં 50% નો ઘટાડો!
રિલીઝ પહેલા જ વિવાદોના વંટોળમાં ફસાઈ ફિલ્મ : CBFC એ બુલડોઝરવાળા સીન પર ચલાવી કાતર અને 2 મિનિટનું લાંબુ ડિસ્ક્લેમર ફરજિયાત કર્યું: હાઈકોર્ટના સ્પેશિયલ સ્ક્રીનિંગ અને કાનૂની અવરોધો વચ્ચે 27 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં જંગ જામશે

મુંબઈ: વર્ષ 2023 માં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર ‘ધ કેરળ સ્ટોરી’ ની સીક્વલ "ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ" રિલીઝ થાય તે પહેલા જ કાનૂની અને સેન્સરના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એ આ ફિલ્મને પાસ તો કરી છે, પરંતુ તે માટે નિર્માતાઓએ ભારે કિંમત ચૂકવવી પડી છે. સેન્સર બોર્ડે ફિલ્મની સંવેદનશીલતાને જોતા તેના પર જોરદાર કાતર ચલાવી છે અને કુલ 16 જેટલા મહત્વના ફેરફારો અથવા કટ સૂચવ્યા છે. બોર્ડે ખાસ કરીને હિંસા અને જાતીય દ્રશ્યો પર કડક વલણ અપનાવતા તેને અડધા કરી દીધા છે, જેથી ફિલ્મની આક્રમકતાને સંતુલિત કરી શકાય.
બોલીવુડ હંગામાના અહેવાલ મુજબ, સેન્સર બોર્ડે બળાત્કારના દ્રશ્યમાં 20 સેકન્ડ અને લિપ-લોક સીનમાં 7 સેકન્ડનો કાપ મૂક્યો છે. એકંદરે ફિલ્મમાંથી ચુંબન અને જાતીય હિંસાના દ્રશ્યોમાં 50% નો ઘટાડો કરવામાં આવ્યો છે. માત્ર વિઝ્યુઅલ્સ જ નહીં, પણ ત્રણ વિવાદાસ્પદ સંવાદો પણ બદલવામાં આવ્યા છે. સૌથી ચોંકાવનારો ફેરફાર ‘બુલડોઝર’ સીનમાં કરવામાં આવ્યો છે, જ્યાં આરોપીનું ઘર તોડી પાડવામાં આવતું હતું, બોર્ડે તેને સુધારવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ફિલ્મના નિર્માતાઓએ વાર્તા સાચી હોવાના દસ્તાવેજી પુરાવા અને સગીર કલાકારોની કાનૂની સંમતિના પત્રો પણ બોર્ડ સમક્ષ રજૂ કરવા પડ્યા હતા.
ફિલ્મ હવે 2 કલાક 11 મિનિટના રનટાઇમ સાથે 27 ફેબ્રુઆરી, 2026 ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે, પરંતુ રસ્તો હજુ પણ કઠિન છે. સેન્સર બોર્ડે ફિલ્મની શરૂઆતમાં 2 મિનિટ અને 3 સેકન્ડનું એક લાંબુ અને કડક અસ્વીકરણ મૂકવા કહ્યું છે, જે દર્શકોને સત્યતા અને કાલ્પનિકતા વચ્ચેનો તફાવત સમજાવશે. બીજી તરફ, કેરળ હાઈકોર્ટમાં ફિલ્મની રિલીઝ રોકવા માટે ઘણી અરજીઓ દાખલ થઈ છે. હાઈકોર્ટ પોતે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ જોશે અને ત્યારબાદ જ બુધવારે અંતિમ ચુકાદો આપશે. હવે જોવાનું એ રહેશે કે કાનૂની કાતર અને રાજકીય વિરોધ વચ્ચે ‘ધ કેરળ સ્ટોરી 2’ દર્શકોના દિલ સુધી પહોંચી શકશે કે નહીં.
