<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 27th February 2026

"અરિજિત દેખાય છે એટલો ભોળો નથી!": સિંગરની રિટાયરમેન્ટ પર ઈસ્માઈલ દરબારનો ચોંકાવનારો ધડાકો, નિવૃત્તિ પાછળનું ગણિત સમજાવ્યું

સંગીતકાર ઈસ્માઈલ દરબારે અરિજિતના નિર્ણયને ગણાવી 'બિઝનેસ માઈન્ડ' ગેમ; સાથે કામ ન કરી શક્યાનો વસવસો વ્યક્ત કરતા મનોરંજન જગતમાં નવી ચર્ચા છેડાઈ

નવી દિલ્હી: ગયા મહિને ૨૭ જાન્યુઆરીએ જ્યારે અરિજિત સિંહે સંગીતની દુનિયામાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી, ત્યારે કરોડો ચાહકોના દિલ તૂટી ગયા હતા. આ આઘાત હજુ શમ્યો નથી ત્યાં પ્રખ્યાત સંગીતકાર ઈસ્માઈલ દરબારે આ મામલે એક મોટું નિવેદન આપીને હલચલ મચાવી દીધી છે. દરબારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અરિજિતનો આ નિર્ણય કોઈ લાગણીમાં વહીને લેવાયેલો નથી, પરંતુ તેની પાછળ એક અત્યંત શાર્પ 'પ્રોફેશનલ મગજ' કામ કરી રહ્યું છે.
ઈસ્માઈલ દરબારે અરિજિત સિંહના વખાણ કરતાની સાથે જ તેના પર નિશાન સાધતા કહ્યું કે, "અરિજિત જેટલો સારો ગાયક છે, એટલો જ તે બુદ્ધિશાળી પણ છે. તે નિર્દોષ કે ભોળો વ્યક્તિ નથી કે જેણે ઉતાવળમાં આ નિર્ણય લીધો હોય. તેણે પોતાના વ્યવસાયિક મગજનો ઉપયોગ કરીને ખૂબ જ સમજદારીપૂર્વક આ પગલું ભર્યું છે. જો તે આ કરવા માંગતો નથી, તો તેણે ન જ કરવું જોઈએ, અને આ માટે હિંમત જોઈએ."
એક મુલાકાત દરમિયાન ઈસ્માઈલ દરબારે પોતાનો પર્સનલ અફસોસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેમને રંજ એ વાતનો છે કે તેઓ ક્યારેય અરિજિત સાથે કામ કરી શક્યા નહીં. તેમણે કહ્યું, "હું તેની સાથે કામ કરવા માંગતો હતો. તે અત્યાર સુધી અન્ય સંગીત નિર્દેશકોની શૈલીને અનુસરી રહ્યો હતો, પરંતુ હું તેને એક અલગ જ પરિપ્રેક્ષ્યમાં જોવા માંગતો હતો. અમે સાથે મળીને સંગીતમાં કંઈક અલગ જ સર્જન કરી શક્યા હોત, પણ હવે એ તક હાથમાંથી જતી રહી હોય તેમ લાગે છે."
  અત્રે  ઉલ્લેખનીય છે કે નિવૃત્તિની જાહેરાત બાદ અરિજિત સિંહે એક ભાવુક પોસ્ટ પણ શેર કરી હતી, જેમાં તેણે દુનિયાને 'નિર્દય' ગણાવી હતી. જોકે, બાબુલ સુપ્રિયો જેવા નેતાઓ અને સંગીતકારો માને છે કે અરિજિત કદાચ 'વર્ઝન 2.0' સાથે ફરી પાછો ફરશે. સુરભિ શુક્લાના અહેવાલ મુજબ, ઇસ્માઇલ દરબારની આ ટિપ્પણી બાદ હવે ચાહકો એ વિચારતા થઈ ગયા છે કે શું આ નિવૃત્તિ ખરેખર કાયમી છે કે પછી આ કોઈ મોટી વ્યૂહરચનાનો ભાગ છે. અરિજિત સિંહની અચાનક વિદાય બોલિવૂડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે એક એવો ખાલીપો છે જે કદાચ લાંબા સમય સુધી નહીં ભરાય

(10:05 PM IST)