<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 28th February 2026

પુત્ર અહાન શેટ્ટીની ફિલ્મ હોવા છતાં સુનીલ શેટ્ટીએ કેમ હજુ સુધી નથી જોઈ 'બોર્ડર ૨'? અન્નાની આ અનોખી જીદ જાણીને તમે પણ ચોંકી જશો!

થિયેટરની બહાર જઈને પાછા ફર્યા સુનીલ શેટ્ટી: "જ્યાં સુધી ફિલ્મ ૫૦૦ કરોડ નહીં કમાય ત્યાં સુધી હું અંદર પગ નહીં મૂકું", દેશભક્તિની ભાવના સાથે જોડાયેલું છે આખું ગણિત

મુંબઈ:સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બોર્ડર ૨' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, પરંતુ એક ચોંકાવનારી વાત સામે આવી છે કે આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર અહાન શેટ્ટીના પિતા અને બોલીવુડના દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીએ હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી. આ કોઈ નારાજગી નથી, પરંતુ સુનીલ શેટ્ટીએ લીધેલી એક ખાસ 'બાધા' છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં તેમણે ખુલાસો કર્યો હતો કે તેમણે નક્કી કર્યું હતું કે આ ફિલ્મ જ્યારે ૫૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કરશે, ત્યારે જ તેઓ તેને જોવા જશે.
  સુનીલ શેટ્ટીએ ભાવુક થતા જણાવ્યું કે, "બોર્ડર ૨ એ માત્ર ફિલ્મ નથી પણ એક દેશભક્તિની લાગણી છે. મેં મનોમન નક્કી કર્યું હતું કે આ ફિલ્મ ૫૦૦ કરોડની કમાણી કરશે જ, અને એ સિદ્ધિ બાદ જ હું તેને નિહાળીશ." અન્નાએ વધુમાં ઉમેર્યું કે ઘણીવાર તેમને ફિલ્મ જોવાની તીવ્ર ઈચ્છા થઈ, તેઓ થિયેટરની બહાર સુધી પણ પહોંચ્યા અને અંદરથી પોતાના દીકરા અહાનના સંવાદો સાંભળીને ગર્વ પણ અનુભવ્યો, પરંતુ પોતાની જીદને કારણે તેઓ અંદર ગયા નહીં. અત્યારે ફિલ્મ વિશ્વભરમાં આશરે ૪૮૯ કરોડ સુધી પહોંચી ગઈ છે અને ૫૦૦ કરોડના આંકડાથી ગણતરીના કિલોમીટર જ દૂર છે.
  ૨૩ જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મ હજુ પણ સિનેમાઘરોમાં જામી પડી છે. 'કોઈમોઈ'ના અહેવાલ મુજબ, ફિલ્મે ભારતમાં ₹૪૨૫ કરોડથી વધુ અને વિશ્વભરમાં ₹૪૮૨ કરોડથી વધુની કમાણી કરી લીધી છે. અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. સની દેઓલ અને અહાન શેટ્ટીની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને મોના સિંહ જેવા કલાકારોએ શાનદાર અભિનય કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી એક-બે દિવસમાં ૧૦-૧૧ કરોડનું કલેક્શન ઉમેરાતા સુનીલ શેટ્ટીની આતુરતાનો અંત ક્યારે આવે છે.

(9:39 PM IST)