રશ્મિકા-વિજયના લગ્નનો દેશવ્યાપી જશ્ન: 21 શહેરોમાં મિઠાઈની સરવાણી અને 16 મહામંદિરોમાં અન્નદાન સાથે નવદંપતી ઉજવશે ખુશી
ઉદયપુરના રાજવી ઠાઠ બાદ હવે આખું ભારત બનશે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નનું સાક્ષી; ગુજરાત સહિત 14 રાજ્યોમાં મોકલાયા મિઠાઈના ટ્રક, રિસેપ્શનમાં PM મોદી અને અમિત શાહ આપશે આશીર્વાદ.

હૈદરાબાદ: ભારતીય સિનેમાના સૌથી ચર્ચિત અને લોકપ્રિય કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ આખરે લગ્નગ્રંથિથી જોડાઈને લાખો ચાહકોની રાહનો અંત લાવ્યો છે. આ નવદંપતીએ માત્ર એકબીજાનો હાથ જ નથી પકડ્યો, પરંતુ પોતાની આ ખુશીને સમગ્ર રાષ્ટ્ર સાથે વહેંચવાનો એક અનોખો અને પ્રેરણાદાયક નિર્ણય લીધો છે. રશ્મિકા અને વિજયે સોશિયલ મીડિયા પર તેમના લગ્નની સત્તાવાર જાહેરાત કરવાની સાથે જ દેશભરમાં મીઠાઈઓ વહેંચવાની અને પવિત્ર મંદિરોમાં અન્નદાન કરવાની જાહેરાત કરી છે. ભારતીય સંસ્કૃતિ મુજબ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત મીઠાઈ અને દાનથી કરવામાં આવે છે, તે પરંપરાને આ જોડીએ ખરા અર્થમાં સાર્થક કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર એક સંયુક્ત નિવેદન જારી કરતા આ પાવર કપલે જણાવ્યું હતું કે, "તમે સૌ અમારી સફરના સાક્ષી રહ્યા છો, તેથી અમારા લગ્નની ઉજવણી પણ તમારી સાથે જ થવી જોઈએ." આ અંતર્ગત 1 માર્ચના રોજ ભારતભરના 21 શહેરોમાં પ્રેમ અને મીઠાઈઓથી ભરેલા ટ્રક રવાના કરવામાં આવ્યા છે. તેલંગાણાથી લઈને દિલ્હી, ગુજરાત અને બિહાર સુધીના વિવિધ રાજ્યોમાં આ મીઠાઈઓનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત, દેશના 16 પ્રતિષ્ઠિત મંદિરોમાં અન્નદાનનો કાર્યક્રમ યોજાશે, જેમાં બેંગલુરુનું શિવોહમ મંદિર, વૃંદાવનનું ઈસ્કોન મંદિર અને અમદાવાદના શ્રી શ્રી ગોવિંદ ધામ મંદિરનો સમાવેશ થાય છે.
લગ્નની વિધિઓ વિશે વાત કરીએ તો, આ કપલે 26 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી આલીશાન આઈટીસી હોટેલ્સ 'મેમેન્ટોસ' ખાતે અત્યંત ખાનગી પણ રાજવી અંદાજમાં સાત ફેરા લીધા હતા. લગ્ન બાદ તેમણે પાપારાઝીઓનું મોઢું પણ મીઠું કરાવ્યું હતું. હવે, 4 માર્ચે હૈદરાબાદ ખાતે એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશની દિગ્ગજ હસ્તીઓ હાજરી આપશે. ખાસ વાત એ છે કે, રશ્મિકા અને વિજયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રૂબરૂ મળીને આમંત્રણ પાઠવ્યું છે, જેની તસવીરો હાલ ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહી છે.
ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાત અંગે વિજય દેવરકોંડાએ હૃદયસ્પર્શી પોસ્ટ લખી છે કે, તેમને મળીને સંસ્કૃતિ અને સિનેમા વિશે ચર્ચા કરવી એ ગર્વની વાત છે. આ મુલાકાત દરમિયાન તેમને ભેટમાં મળેલી ભગવાન ગણેશની મૂર્તિને તેમણે પોતાના પૂજા ઘરમાં સ્થાપિત કરી છે. સાઉથથી લઈને બોલિવૂડ સુધી જેમના કરોડો ચાહકો છે, તેવા આ સ્ટાર્સે પોતાના લગ્નને માત્ર અંગત પ્રસંગ ન રાખતા 'રાષ્ટ્રીય ઉત્સવ' જેવો માહોલ બનાવી દીધો છે. ગુજરાતના ચાહકો પણ અમદાવાદમાં થનારા મીઠાઈ વિતરણ અને અન્નદાનને લઈને ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.
