રશ્મિકા-વિજયની લવ સ્ટોરી પરથી ઉઠ્યો પડદો: ‘નેશનલ ક્રશ’ રશ્મિકાએ સામે ચાલીને કર્યું હતું પ્રપોઝ, વિજય દેવેરાકોંડાએ આખરે દુનિયા સમક્ષ સ્વીકાર્યું સત્ય!
‘ગીત ગોવિંદમ’ થી શરૂ થયેલી મિત્રતા ‘ડિયર કોમરેડ’ સુધી પહોંચતા જ પ્રેમમાં બદલાઈ; માત્ર ‘મિત્રો’ હોવાનું નાટક છોડી રશ્મિકાએ વ્યક્ત કરી હતી દિલની વાત, ચાહકોમાં ખુશીની લહેર

હૈદરાબાદ : છેલ્લા ઘણા સમયથી વિજય દેવેરાકોંડા અને રશ્મિકા મંદાના ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચાઓ ફિલ્મી ગલીઓમાં તેજ હતી. જોકે, આ કપલ હંમેશા મીડિયા સામે મૌન જાળવી રાખતું હતું. પરંતુ હવે વિજય દેવેરાકોંડાએ પોતે જ આ પ્રેમકથાનો સૌથી મોટો સિક્રેટ ખોલ્યો છે. વિજયે જાહેર કર્યું છે કે તેમની લવ સ્ટોરીમાં પહેલું ડગલું તેણે નહીં, પણ રશ્મિકાએ ભર્યું હતું. હા, રશ્મિકાએ જ સામે ચાલીને વિજયને પ્રપોઝ કર્યું હતું!
મિત્રતા જે પ્રેમમાં ફેરવાઈ ગઈ
વિજય અને રશ્મિકાએ વર્ષ ૨૦૧૮ માં ‘ગીતા ગોવિંદમ’ અને ૨૦૧૯ માં ‘ડિયર કોમરેડ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. શૂટિંગ દરમિયાન જ બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. રશ્મિકા માટે વિજય તેનો 'વિઝુ' બની ગયો હતો. રશ્મિકાએ નક્કી કર્યું હતું કે તે આ લાગણીને 'જસ્ટ ફ્રેન્ડ્સ' ના ટેગ નીચે છુપાવશે નહીં. વિજયે ખુલાસો કર્યો કે જ્યારે રશ્મિકાએ તેને પ્રપોઝ કર્યું, ત્યારે તેને પણ આ વાતનો અંદાજ હતો જ અને તેણે તરત જ 'હા' કહી દીધી હતી.
ચાહકોની બાજ નજર અને વાયરલ ફોટા
ભલે આ જોડીએ લાંબો સમય સુધી પોતાના સંબંધને ગુપ્ત રાખ્યો હોય, પણ તેમના ચાહકો ખૂબ જ હોશિયાર હતા. વેકેશનના સરખા લોકેશન વાળા ફોટા હોય કે એકબીજાના કપડાં પહેરવાની વાત, ફેન્સ હંમેશા બંને સાથે હોવાના પુરાવા શોધી કાઢતા હતા. રશ્મિકાએ એકવાર ઈન્ટરવ્યુમાં એમ પણ કહ્યું હતું કે તે વિજય સાથે લગ્ન કરવા ઈચ્છશે, જેણે તે સમયે જ ઘણું બધું કહી દીધું હતું.
ચાહકો માટે ખાસ મિજબાની
તાજેતરમાં જ આ જોડીએ તેમના ચાહકો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. સોશિયલ મીડિયા પર તેમના સંગીત અને અન્ય ફંક્શનના ફોટા વાયરલ થઈ રહ્યા છે. આ મિજબાનીમાં વિજય અને રશ્મિકાએ પોતે મહેમાનોને ભોજન પીરસ્યું હતું અને તેમની સાથે ગપસપ કરી હતી. આ સાદગી અને પ્રેમને જોઈને ફેન્સ તેમને 'સુપર જોડી' કહી રહ્યા છે.
