અક્ષય કુમારની ‘OMG 3’ માંથી રાની મુખર્જી આઉટ: ફેન્સનું અધૂરું રહ્યું સપનું, હવે આ સુપરસ્ટાર સાથે કઈ અભિનેત્રી જમાવશે જોડી?
પહેલીવાર સાથે દેખાવાના હતા અક્ષય-રાની: પ્રારંભિક વાતચીત બાદ રાનીએ ફિલ્મ છોડી હોવાનો અહેવાલ; મેકર્સ હવે નવી ‘હિરોઈન’ની શોધમાં

મુંબઈ: તા.૦૬ બોલિવૂડની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી પૈકીની એક 'ઓહ માય ગોડ' (OMG) ના ત્રીજા ભાગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી ચર્ચા હતી કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી રાની મુખર્જી આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે, લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, રાની હવે 'OMG 3' (જેનું સંભવિત શીર્ષક 'ઓહ માય ગોડેસ' હોવાનું મનાય છે) નો ભાગ નથી. અક્ષય અને રાનીને પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા માટે આતુર ચાહકો માટે આ મોટા આંચકા સમાન સમાચાર છે.
મળતી વિગતો મુજબ, રાની મુખર્જી અને નિર્માતાઓ વચ્ચે ફિલ્મની વાર્તાને લઈને પ્રારંભિક ચર્ચાઓ થઈ હતી. રાનીને વાર્તાની રૂપરેખામાં રસ પણ પડ્યો હતો, પરંતુ વાતચીત આગળ વધી શકી નહીં. અક્ષય કુમાર આ ફિલ્મમાં લાંબા કેમિયો રોલમાં જોવા મળશે તેવું મનાય છે. અક્ષય અને રાની વાસ્તવિક જીવનમાં ખૂબ સારા મિત્રો છે અને તેઓ સાથે કામ કરવા ઉત્સાહિત હતા, પરંતુ કમનસીબે આ જોડી અત્યારે પડદા પર સાથે જોવા મળશે નહીં. હવે નિર્માતાઓએ મે-જૂન ૨૦૨૬ માં શરૂ થનારા શૂટિંગ પહેલા નવી અભિનેત્રીની શોધ તેજ કરી છે.
રાની મુખર્જીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, તે તાજેતરમાં ૩૦ જાન્યુઆરીએ રિલીઝ થયેલી 'મર્દાની ૩' માં જોવા મળી હતી, જેને બોક્સ ઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. 'મર્દાની' સીરીઝની સફળતા છતાં આ ફિલ્મે ધીમી શરૂઆત કરી હતી. જોકે, રાનીના ફેન્સ માટે એક આશાનું કિરણ એ છે કે તે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'કિંગ' માં જોવા મળી શકે છે, જે ૨૪ ડિસેમ્બર ૨૦૨૬ ના રોજ રિલીઝ થવાની શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે 'OMG 3' માં અક્ષય કુમાર સાથે કઈ બોલિવૂડ સુંદરી મેદાન મારશે.
