<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 9th March 2026

‘તારે જમીન પર' ફેઇમ દર્શીલ સફારી ઇન્‍ટરનેશનલ પ્રોજેક્‍ટ સાથે જોડાયો

દર્શીલ ખુબ જ જટીલ અને ભાવનાત્‍મક પાત્રમાં જોવા મળશેઃ આ પાત્ર તેની કારકિર્દીમાં વળાંક લાવી શકે તેવું: મોહિત રૈના અને પ્રિયા મણી સાથે મુખ્‍ય ભુમિકા

મુંબઇ તા. ૯: તારે જમીન પર ફિલ્‍મથી રાતોરાત સ્‍ટાર બનેલા અભિનેતા દર્શીલ સફારીએ હવે એક મોટા ઇન્‍ટરનેશનલ પ્રોજેક્‍ટ સાથે જોડાવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ એક ક્રોસ-બોર્ડર ફિલ્‍મ છે, જેમાં તેની સાથે દેવો કે દેવ મહાદેવ ફેમ મોહિત રૈના અને નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી પ્રિયા મણિ મુખ્‍ય ભૂમિકામાં જોવા મળશે. આ ત્રણેય કલાકારો પહેલીવાર કોઈ ફિલ્‍મ માટે સાથે આવી રહ્યા છે, જે દર્શકો માટે ખૂબ જ રોમાંચક બની રહેશે.

આ ફિલ્‍મનું નિર્માણ મુંબઈની કંપની એઝ્‍યુર એન્‍ટરટેઈનમેન્‍ટ (જેણે બદલા અને કેસરી જેવી ફિલ્‍મો બનાવી છે) અને અમેરિકાની રેડ બાયસન પ્રોડક્‍શન્‍સ દ્વારા સંયુક્‍ત રીતે કરવામાં આવી રહ્યું છે. ફિલ્‍મની વાર્તા માનવીય લાગણીઓ, ઓળખ અને સરહદોથી પરના સંબંધો પર આધારિત છે. આ પ્રોજેક્‍ટને ઇન્‍ટરનેશનલ લેવલ પર રજૂ કરવાની યોજના છે, જેના કારણે ભારત અને અમેરિકાની સંયુક્‍ત ટીમ આના પર કામ કરી રહી છે.

દર્શીલ સફારી આ ફિલ્‍મમાં એક ખૂબ જ જટિલ અને ભાવનાત્‍મક પાત્ર ભજવી રહ્યો છે. ઇન્‍ડસ્‍ટ્રીના જાણકારોના મતે આ ફિલ્‍મ દર્શીલની કારકિર્દી માટે એક નવો વળાંક સાબિત થઈ શકે છે. ફિલ્‍મ વિશે વાત કરતા દર્શીલે જણાવ્‍યું હતું કે, આ વાર્તા હિંમત અને સંવેદનશીલતાની વાત કરે છે અને તેને ખુશી છે કે તે આવા અર્થસભર પ્રોજેક્‍ટનો ભાગ બન્‍યો છે.

હર્ષ મહાદેશ્વર દ્વારા લિખિત અને નિર્દેશિત આ ફિલ્‍મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થવાની શકયતા છે. આ ફિલ્‍મને ગ્‍લોબલ રિલીઝ આપવાની તૈયારીઓ ચાલી રહી છે, જેથી દુનિયાભરના દર્શકો આ વાર્તાનો આનંદ માણી શકે. આ ફિલ્‍મ દ્વારા થિયેટર, ઓટીટી અને આંતરરાષ્‍ટ્રીય સિનેમાની ત્રણ અલગ-અલગ શૈલીઓનું સંગમ જોવા મળશે. 

(4:06 PM IST)