કૃતિકા કામરાના વેડિંગ રિસેપ્શનમાં ફેશન અને ગ્લેમરનો તડકો: દુર્લભ ‘ડાયોર’ ગાઉનમાં સજ્જ દુલ્હને લૂંટી મહેફિલ
ક્રિકેટ અને બોલિવૂડના દિગ્ગજોની હાજરીમાં જામી લગ્નની આફ્ટર-પાર્ટી: સચિન તેંડુલકરથી લઈને સુનીલ ગાવસ્કર સુધીના સ્ટાર્સે નવદંપતીને આપ્યા આશીર્વાદ

મુંબઈ : લોકપ્રિય ટેલિવિઝન અને OTT સ્ટાર કૃતિકા કામરા અને જાણીતા સ્પોર્ટ્સ હોસ્ટ ગૌરવ કપૂરે તાજેતરમાં જ મુંબઈમાં સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા બાદ ગુરુવારે રાત્રે એક ભવ્ય આફ્ટર-પાર્ટીનું આયોજન કર્યું હતું. પોતાની ફેશન સેન્સ માટે જાણીતી કૃતિકાએ તેના રિસેપ્શનમાં એક એવો પોશાક પસંદ કર્યો જેણે ફેશન વર્લ્ડમાં ભારે ચર્ચા જગાવી છે.
બે મહિનાની મહેનત બાદ મળ્યો ‘ડ્રીમ ડ્રેસ’
કૃતિકાએ તેની આ ખાસ રાત માટે આર્કાઇવલ 'ગેલિયાનો-એરા ડાયોર' (Galliano-era Dior) કબૂતર-ગ્રે કલરનો ગાઉન પસંદ કર્યો હતો. ફેશન ઇન્ફ્લુએન્સર ‘ડાયટ સબ્યા’ સાથેની વાતચીતમાં કૃતિકાએ ખુલાસો કર્યો હતો કે આ દુર્લભ વિન્ટેજ ડ્રેસ શોધવામાં તેને પૂરા બે મહિના લાગ્યા હતા. મિનિમલ મેકઅપ અને સોફ્ટ કર્લ્સ વાળની સ્ટાઇલ સાથે કૃતિકા અત્યંત ભવ્ય અને રોયલ દેખાઈ રહી હતી. અગાઉ તેના લગ્નના દિવસે પણ તેણે હેવી લહેંગાને બદલે લાલ ચંદેરી સાડી પહેરીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા.
ક્રિકેટ અને સિનેમાના સિતારાઓનો મેળાવડો
ગૌરવ કપૂર રમતગમત જગત સાથે સંકળાયેલો હોવાથી પાર્ટીમાં ક્રિકેટના માંધાતાઓની હાજરી જોવા મળી હતી. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પત્ની અંજલિ સાથે પહોંચ્યા હતા. આ ઉપરાંત સુનીલ ગાવસ્કર, વીરેન્દ્ર સેહવાગ, ઝહીર ખાન અને યુવરાજ સિંહ જેવા દિગ્ગજ ક્રિકેટરોએ પાર્ટીની શોભા વધારી હતી. બોલિવૂડમાંથી નસીરુદ્દીન શાહ, ફરહાન અખ્તર, શિબાની દાંડેકર અને નેહા ધૂપિયા સહિતના કલાકારો હાજર રહ્યા હતા.
ખાસ મુહૂર્તમાં લીધા લગ્ન
કૃતિકા અને ગૌરવે ૧૧ માર્ચ, ૨૦૨૬ના રોજ બાંદ્રા સ્થિત તેમના ઘરે અત્યંત નિકટના મિત્રો અને પરિવારની હાજરીમાં સૂર્યાસ્ત સમયે સાદા નાગરિક લગ્ન (Civil Wedding) કર્યા હતા. સોશિયલ મીડિયા પર ફોટા શેર કરતા આ જોડીએ લખ્યું, "ગઈકાલે આ સમયે, અમે કાયમ માટે 'હા' પાડી."
કૃતિકા 'કિતની મોહબ્બત હૈ' જેવા શો અને 'તાંડવ' જેવી સીરીઝ માટે જાણીતી છે, જ્યારે ગૌરવ કપૂર તેના શો 'બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન્સ' દ્વારા ઘરે-ઘરે જાણીતો છે.
