<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 13th March 2026

મુંબઈના ‘રેડ લોરી ફિલ્મ ફેસ્ટિવલ’માં આમિર ખાને જીત્યા દિલ: દીપ પ્રાગટ્ય પહેલા જૂતા ઉતારી ભારતીય સંસ્કારોનું આપ્યું ઉદાહરણ

‘લગાન’ના ૨૫ વર્ષની ઉજવણી વચ્ચે મિસ્ટર પરફેક્શનિસ્ટની સાદગીએ ચાહકોને કર્યા મંત્રમુગ્ધ—૧૨૦થી વધુ ફિલ્મો અને દિગ્ગજ કલાકારો સાથે સિનેમાનો મહાકુંભ શરૂ

મુંબઈ : મુંબઈમાં 'BookMyShow' દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત ‘રેડ લોરી ફિલ્મ ફેસ્ટિવલ’ની ત્રીજી આવૃત્તિનો શાનદાર પ્રારંભ થયો છે. દેશ-વિદેશના ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોની હાજરી વચ્ચે બોલિવૂડના સુપરસ્ટાર આમિર ખાને પોતાની એક ખાસ ચેષ્ટાથી સૌના દિલ જીતી લીધા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં આમિર ખાનની સાદગી અને પરંપરા પ્રત્યેના આદરની ભારે પ્રશંસા થઈ રહી છે.
પરંપરા પ્રત્યે આદર: આમિરની ‘ખાસ’ ક્ષણ
ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે જ્યારે આમિર ખાનને દીપ પ્રાગટ્ય માટે મંચ પર બોલાવવામાં આવ્યા, ત્યારે તેમણે લાઈમલાઈટની પરવા કર્યા વગર શ્રદ્ધાપૂર્વક પગરખાં ઉતાર્યા હતા. ગુલાબી શર્ટ અને બેજ ટ્રાઉઝરમાં સજ્જ આમિરે હિન્દુ ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ પ્રત્યે જે સન્માન દર્શાવ્યું, તેનાથી ત્યાં હાજર તમામ લોકો પ્રભાવિત થયા હતા. ચાહકોએ આ વિડિયો પર હૃદયસ્પર્શી ઇમોજીસ અને કોમેન્ટ્સનો વરસાદ કરીને આમીરને ‘સંસ્કારી સુપરસ્ટાર’ ગણાવ્યો છે.
‘લગાન’ની ૨૫મી વર્ષગાંઠ અને ફિલ્મોનો મેળાવડો
આ ફેસ્ટિવલમાં આમિર ખાનની સાથે દિગ્દર્શક આશુતોષ ગોવારિકર પણ હાજર રહ્યા હતા. ખાસ વાત એ છે કે, આ ફેસ્ટિવલ દરમિયાન ઓસ્કર નોમિનેટેડ ફિલ્મ ‘લગાન: વન્સ અપોન અ ટાઇમ ઇન ઇન્ડિયા’ની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવશે. ૧૩ થી ૧૫ માર્ચ સુધી ચાલનારા આ મહોત્સવમાં વિશ્વભરની ૧૨૦ થી વધુ શ્રેષ્ઠ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવનાર છે.
તારાઓની ઝાકઝમાળ
ફેસ્ટિવલની અન્ય હાઇલાઇટ્સમાં હુમા કુરેશીની હાજરીમાં ‘બયાન’નું સ્પેશિયલ સ્ક્રિનિંગ, ઝોયા અખ્તર દ્વારા રજૂ કરવામાં આવનારી ડોક્યુમેન્ટ્રી ‘ટર્ટલ વોકર’ અને શ્રીરામ રાઘવનનું ખાસ સત્ર મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત અલી ફઝલ, સ્વપ્નિલ જોશી, મુકેશ છાબરા અને રામ ગોપાલ વર્મા જેવા દિગ્ગજો પણ આ ત્રણ દિવસીય સિનેમાના ઉત્સવમાં ભાગ લેશે.
બુકમાયશોના સીઓઓ આશિષ સક્સેનાએ જણાવ્યું હતું કે, આ ફેસ્ટિવલનો ઉદ્દેશ્ય માત્ર ફિલ્મો બતાવવાનો જ નહીં, પરંતુ પ્રેક્ષકોને ફિલ્મ નિર્માતાઓ સાથે સીધો સંવાદ કરવાની તક પૂરી પાડવાનો પણ છે.

(10:06 PM IST)