બોક્સ ઓફિસ પર 'ધુરંધર ૨: ધ રિવન્જ' ની ઐતિહાસિક સુનામી: એક કલાકમાં એક લાખ ટિકિટ વેચવાનો નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો: બોર્ડર ન પ્રથમ દિવસનો રેકોર્ડ તોડી નાખ્યો
આદિત્ય ધરના નિર્દેશનમાં રણવીર સિંહ, સંજય દત્ત અને અર્જુન રામપાલની એક્ટિંગના ચોમેર વખાણ: 'પુષ્પા' ફેમ અલ્લુ અર્જુન અને આર. માધવને ફિલ્મને ગણાવી માસ્ટરપીસ: પ્રથમ દિવસે ૧૦૦ કરોડની કમાણી તરફ આગેકૂચ: એડવાન્સ બુકિંગ અને પ્રિવ્યુઝ દ્વારા જ ૭૫ કરોડથી વધુનું જંગી નેટ કલેક્શન પાર

મુંબઈ: પ્રાપ્ત અહેવાલો મુજબ, રિલીઝના પહેલા જ દિવસે 'ધુરંધર ૨' ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાકેદાર એન્ટ્રી કરી છે. આદિત્ય ધરની આ ફિલ્મે માત્ર અડધા દિવસમાં જ ૩૩ કરોડનું કલેક્શન કરીને ગણતંત્ર દિવસે રિલીઝ થયેલી સની દેઓલની 'બોર્ડર ૨' (૩૨.૧૦ કરોડ) નો રેકોર્ડ તોડી નાખ્યો છે. રણવીર સિંહ, આર. માધવન, સંજય દત્ત અને અર્જુન રામપાલ સ્ટારર આ જાસૂસી થ્રિલર ફિલ્મને દર્શકો અને ટ્રેડ એનાલિસ્ટ્સ દ્વારા અદભુત રિસ્પોન્સ મળી રહ્યો છે. સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુને પણ ફિલ્મના અને રણવીર સિંહના ભરપેટ વખાણ કર્યા છે.
રિલીઝના પહેલા જ દિવસે જિયો સ્ટુડિયો દ્વારા નિર્મિત 'ધુરંધર ૨: ધ રિવન્જ' ફિલ્મે બોક્સ ઓફિસ પર સુનામી લાવી દીધી છે. આદિત્ય ધરની આ ફિલ્મ અડધા દિવસમાં જ કમાણીના મામલે 'એક્શન મોડ' માં આવી ગઈ છે. ગુરુવાર બપોરથી જ 'ધુરંધર ૨' એ માત્ર એક કલાકમાં એક લાખ ટિકિટ વેચવાનો નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સાથે જ નક્કી થઈ ગયું છે કે 'ધુરંધર ૨' પહેલા જ દિવસથી અનેક મોટા રેકોર્ડ્સ તોડવા જઈ રહી છે અને બોક્સ ઓફિસ પર ફિલ્મની મોટી કમાણીનું મિશન શરૂ થઈ ચૂક્યું છે.
'ધુરંધર ૨' ની ધમાકેદાર શરૂઆત અને રેકોર્ડબ્રેક કમાણી
રણવીર સિંહની આ ફિલ્મ માટે એડવાન્સ બુકિંગ એટલું દમદાર હતું કે અડધા રેકોર્ડ તો તેનાથી જ તૂટવા લાગ્યા હતા. ઓપનિંગ ડે માટે ૫૦ કરોડથી વધુનું એડવાન્સ ગ્રોસ કલેક્શન કરી ચૂકેલી આ ફિલ્મ પાસેથી પ્રથમ દિવસે ૧૦૦ કરોડ નેટ કલેક્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. ટ્રેડ વેબસાઈટ સેકનિલ્કના આંકડા પ્રમાણે 'ધુરંધર ૨' એ ૧૯ માર્ચે અડધા દિવસમાં જ ૩૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે અને ત્રણ મહિના પહેલાં ડિસેમ્બર ૨૦૨૫ માં આવેલી 'ધુરંધર' ના ઓપનિંગ કલેક્શન (૨૮.૬૦ કરોડ નેટ) કરતા વધુ કમાણી કરી લીધી છે. અડધા દિવસમાં જ અંદાજે ૩૩ કરોડનું નેટ કલેક્શન થઈ ચૂક્યું છે.
અડધા દિવસમાં તૂટ્યો 'બોર્ડર ૨' નો રેકોર્ડ
ગણતંત્ર દિવસે રિલીઝ થયેલી સની દેઓલની 'બોર્ડર ૨' અત્યાર સુધી ૨૦૨૬ ની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ હતી. તેનું ફર્સ્ટ ડે કલેક્શન ૩૨.૧૦ કરોડ હતું. 'ધુરંધર ૨' એ રિલીઝ થતાની સાથે જ માત્ર અડધા દિવસમાં 'બોર્ડર ૨' ને પછાડી દીધી છે. બુધવારે યોજાયેલા પેઈડ પ્રિવ્યુઝથી 'ધુરંધર ૨' એ ૪૪ કરોડનું ઐતિહાસિક નેટ કલેક્શન કર્યું હતું. એટલે કે કુલ મળીને 'ધુરંધર ૨' એ અત્યાર સુધીમાં ૭૫ કરોડથી વધુનું નેટ કલેક્શન કરી લીધું છે અને હજુ રાત સુધીના આંકડા આવવાના બાકી છે.
ફિલ્મની રોમાંચક કહાની
ફિલ્મ ‘ધુરંધર ૨: ધ રિવન્જ’ ની વાર્તા ફ્લેશબેકથી શરૂ થાય છે. અહીં આપણને હમઝા અલી મઝારીનો એ ચહેરો જોવા મળે છે, જેને દુનિયા નથી જાણતી. કેવી રીતે એક સીધો-સાદો, પોતાના પિતા અને દાદાની જેમ ફોજી બનવાનું સપનું જોતો ‘જસકીરત સિંહ રંગી’ જાસૂસીની દુનિયાનો માહેર ખેલાડી ‘હમઝા’ બની ગયો, તેની આ થ્રિલર રાઈડ પડદા પર જોવી અદભુત છે. વાર્તા ત્યારે રોમાંચક બને છે જ્યારે રહેમાન ડકેતના ખાતમા બાદ હમઝા પોતાને ‘લિયારીનો કિંગ’ જાહેર કરે છે. લિયારીની સાંકડી ગલીઓથી લઈને સત્તાની ગલીઓ સુધીની આ સફરમાં તેણે શું કિંમત ચૂકવવી પડે છે તે જાણવા થિયેટરમાં જવું પડે.
માસ્ટરપીસ અને સુપરથી ઉપર
જો ‘ધુરંધર ૧’ શાનદાર હતી, તો ‘ધુરંધર રિવન્જ’ ને તમે ‘સુપરથી ઉપર’ ની કેટેગરીમાં મૂકી શકો છો. આ વખતે આદિત્ય ધરે એક્શન અને રોમાન્સની સાથે ઈમોશનનો અદભુત સમન્વય સાધ્યો છે. જાનદાર એક્ટિંગ, હૃદયને સ્પર્શી જાય તેવી વાર્તા અને શાનદાર સંગીત દર્શકોના દિલ જીતી રહ્યા છે.
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મને સાડા ચાર રેટિંગ આપીને તેને સિનેમાનું સર્વશ્રેષ્ઠ સર્જન, 'માસ્ટરપીસ' અને 'એપિક બ્લોકબસ્ટર' ગણાવી છે. સ્કેલ, ડ્રામા, ઇમોશન, એક્શન, પરફોર્મન્સ અને ઇમ્પેક્ટ દરેક મોરચે ફિલ્મ શાનદાર છે.
રણવીર સિંહને 'પુષ્પા' એ ગણાવ્યો 'ફાયર'
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આ ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. 'પુષ્પા' ફેમ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને ફિલ્મ જોયા બાદ રણવીર સિંહ, આર. માધવન સહિતની સમગ્ર કાસ્ટના પરફોર્મન્સની પ્રશંસા કરી છે. અલ્લુ અર્જુને ટ્વીટ કરીને કહ્યું કે, "હમણાં જ 'ધુરંધર ૨' જોઈ - દેશભક્તિ સાથેનો શાનદાર સ્વેગ. આ એક એવી ફિલ્મ છે જે દરેક ભારતીય અને દેશભક્તને ગર્વ કરાવશે. સંપૂર્ણ રીતે ધમાકો! આખી ટીમને અભિનંદન." આ ઉપરાંત અન્ય પાત્રોમાં રાકેશ બેદીએ પણ પોતાના અભિનયથી સૌના દિલ જીત્યા છે.
અહેવાલો અનુસાર, આ ફિલ્મ ૨૭૫ કરોડના બજેટમાં બની છે અને રણવીર સિંહે તેના માટે ૫૦ કરોડ ફી લીધી છે.
પ્રથમ ફિલ્મ 'ધુરંધર' ઓલ ટાઈમ બ્લોકબસ્ટર રહી હતી અને વિશ્વભરમાં ૧૩૦૦ કરોડની કમાણી કરી હતી, ત્યારે આ સિક્વલ તેનાથી પણ આગળ નીકળી જશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.
*
