'ધુરંધર : ધ રિવેન્જ' ની સક્સેસ પાર્ટીમાં 'રહેમાન ડકૈત' ગાયબ: અક્ષય ખન્નાની રહસ્યમય ગેરહાજરીએ જગાવી ચર્ચા
બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ સ્ટાર-સ્ટડેડ સેલિબ્રેશનમાં વિલનની કમી વર્તાઈ; ફિલ્મના પહેલા ભાગમાં પાત્રનો અંત અને અક્ષયનો રિઝર્વ સ્વભાવ ગેરહાજરી પાછળનું મુખ્ય કારણ, બીજી તરફ કેનેડાના થિયેટરોમાં ૪ કલાક લાંબી રણવીર સિંહની ફિલ્મમાં પહેલીવાર ૧૫ મિનિટનો ઇન્ટરવલ પડતા દર્શકો આશ્ચર્યચકિત, મોન્ટ્રિયલમાં તોફાની તત્વોએ સ્ક્રીન ફાડી નાખતા મચી અફરાતફરી

મુંબઇઃ સિનેમાઘરોમાં તોફાન મચાવ્યા બાદ 'ધુરંધર : ધ રિવેન્જ' ની ટીમે હાલમાં જ એક ભવ્ય સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું હતું, પરંતુ આ સેલિબ્રેશનમાં ફિલ્મનો સૌથી શક્તિશાળી વિલન એટલે કે 'રહેમાન ડકૈત' નું પાત્ર ભજવનાર અક્ષય ખન્ના ક્યાંય જોવા મળ્યો નહોતો. આ હાઈ-પ્રોફાઈલ પાર્ટીમાં રણવીર સિંહ સહિતના તમામ કલાકારો હાજર હતા, ત્યારે અક્ષય ખન્નાની ગેરહાજરીએ ચાહકોમાં અનેક તર્ક-વિતર્ક જગાવ્યા છે. જોકે, આ પાછળ કોઈ વિવાદ નહીં પણ અક્ષયનો 'રિઝર્વ' સ્વભાવ જવાબદાર હોવાનું મનાય છે. તે હંમેશા લાઈમલાઈટ, મીડિયા અને એવોર્ડ શોથી દૂર રહેવાનું પસંદ કરે છે. વધુમાં, ફિલ્મના બીજા ભાગમાં તેના પાત્રની હાજરી મર્યાદિત હોવાથી તેણે અંગત રીતે આ સેલિબ્રેશનથી દૂર રહેવાનો નિર્ણય લીધો હોવાનું જણાય છે.
કેનેડાના થિયેટરોમાં આ ફિલ્મ સાથે એક અત્યંત અનોખી ઘટના બની છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મ લગભગ ૪ કલાક લાંબી હોવાથી કેનેડાના થિયેટરોમાં ઇતિહાસમાં પહેલીવાર 'ઇન્ટરવલ' આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે પશ્ચિમી દેશોમાં ફિલ્મો વચ્ચે બ્રેક હોતો નથી, પરંતુ આ ફિલ્મની લંબાઈને જોતા ૧૫ મિનિટનો વિરામ આપવામાં આવ્યો હતો. ૨૦ વર્ષથી કેનેડામાં રહેતા ભારતીય મૂળના દર્શકો માટે આ એક સુખદ અને નોસ્ટાલ્જિક અનુભવ હતો. સોશિયલ મીડિયા પર લોકો કહી રહ્યા છે કે ઇન્ટરવલ એ ભારતીય સિનેમાની ઓળખ છે, જ્યાં દિગ્દર્શક વાર્તાને એક નવો વળાંક આપે છે અને દર્શકોને ચર્ચા કરવાનો સમય મળે છે.
જોકે, કેનેડાના મોન્ટ્રિયલ શહેરમાંથી એક ચિંતાજનક ઘટના પણ સામે આવી છે. ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન કેટલાક તોફાની તત્વોએ સિનેમાઘરની સ્ક્રીનને ફાડી નાખી હતી, જેના કારણે ભારે અફરાતફરી મચી ગઈ હતી. પરિસ્થિતિ એટલી હદે વણસી હતી કે સુરક્ષાના કારણોસર પોલીસે ઓડિટોરિયમમાં પ્રવેશ કરવો પડ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભીડને કાબૂમાં લીધી હતી અને મામલો શાંત પાડ્યો હતો. આ પ્રકારની તોડફોડની ઘટના અગાઉ અન્ય એક થિયેટરમાં પણ બની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેનાથી વિદેશમાં ફિલ્મની લોકપ્રિયતાની સાથે સુરક્ષાના પ્રશ્નો પણ ઉભા થયા છે.
આ તમામ ચર્ચાઓ અને ઘટનાઓ વચ્ચે 'ધુરંધર : ધ રિવેન્જ' વૈશ્વિક સ્તરે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી છે. અક્ષય ખન્ના ભલે સક્સેસ પાર્ટીમાં ન હોય, પણ તેના અભિનયના વખાણ આખા વિશ્વમાં થઈ રહ્યા છે. તે હાલમાં પોતાના નવા પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે અને પબ્લિક સેલિબ્રેશનથી દૂર રહેવાની પોતાની શૈલી જાળવી રાખી છે. રણવીર સિંહની આ મેગા મૂવીએ સાબિત કરી દીધું છે કે ભારતીય સિનેમા હવે ભાષા અને સરહદોના બંધનો તોડીને વૈશ્વિક સ્તરે પોતાની ધાક જમાવી રહ્યું છે.
