'ધુરંધર 2' જોઈને પાકિસ્તાની પરિવાર લાલચોળ: ફિલ્મને ગણાવી 'બકવાસ', ભારતીય ચાહકોએ કહ્યું- 'સત્ય હંમેશા કઠોર જ હોય છે'
આદિત્ય ધરની 'ધુરંધર: ધ રિવેન્જ' માં પાકિસ્તાનનું વરવું ચિત્રણ જોઈ પડોશી દેશના દર્શકો ચોંકી ઉઠ્યા; સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પરિવારે ફિલ્મને 'સસ્તી અને ત્રીજા દરજ્જાની' ગણાવી લગાવ્યા ઝિંદાબાદના નારા, રણવીર સિંહ ઉર્ફે હમઝાના આક્રમક અંદાજ સામે પાકિસ્તાની યુઝર્સ અને ભારતીય નેટિઝન્સ વચ્ચે છેડાયું સોશિયલ મીડિયા વોર

મુંબઇઃ બોલિવૂડની મેગા બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' અત્યારે વિશ્વભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની સાથે જ એક નવો વિવાદ પણ વકર્યો છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં પાકિસ્તાન અને ત્યાંના આતંકવાદી સંગઠનોનું જે પ્રકારે ચિત્રણ કરવામાં આવ્યું છે, તેનાથી પાકિસ્તાની દર્શકો ભારે નારાજ જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અત્યારે એક પાકિસ્તાની પરિવારનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેઓ વિદેશમાં આ ફિલ્મ જોવા ગયા હતા. ફિલ્મ પૂરી થયા બાદ થિયેટરની બહાર નીકળતા જ આ પરિવારે ફિલ્મને 'બકવાસ' અને 'ઘૃણાસ્પદ' ગણાવીને પોતાનો રોષ ઠાલવ્યો હતો, જેના જવાબમાં ભારતીય ચાહકોએ તેમને આયનો બતાવ્યો છે.
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પાકિસ્તાની મહિલા પોતાના આખા પરિવાર સાથે 'ધુરંધર 2' જોવા પહોંચી હતી. જોકે, ફિલ્મમાં રણવીર સિંહના પાત્ર 'હમઝા' દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને આતંકીઓનો સફાયો કરવાની વાર્તા તેમને પસંદ પડી નથી. પરિવારે કેમેરા સામે સ્વીકાર્યું હતું કે ફિલ્મનો પહેલો ભાગ 'ધુરંધર' ઘણો સારો હતો અને તેમાં સત્ય બતાવવામાં આવ્યું હતું, પરંતુ બીજા ભાગમાં પાકિસ્તાનનું અપમાન કરવામાં આવ્યું હોવાનો તેમણે દાવો કર્યો છે. વીડિયોના અંતે આખો પરિવાર "પાકિસ્તાન ઝિંદાબાદ" ના નારા લગાવતો જોવા મળ્યો હતો. આ પ્રતિક્રિયાએ સાબિત કર્યું છે કે ફિલ્મની વાર્તાએ પાકિસ્તાની પ્રેક્ષકોની લાગણીઓને જોરદાર ઠેસ પહોંચાડી છે.
બીજી તરફ, ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો પર પાકિસ્તાનીઓની જોરદાર ફિરકી લીધી છે. ભારતીય ચાહકોનું કહેવું છે કે જ્યારે ફિલ્મમાં સત્ય બતાવવામાં આવે છે ત્યારે તે કઠોર લાગે જ છે. એક યુઝરે કમેન્ટ કરી હતી કે, પાકિસ્તાનીઓ પોતાનું જ અપમાન જોવા માટે ટિકિટના પૈસા ખર્ચી રહ્યા છે તે સૌથી રમુજી વાત છે. અન્ય એક નેટિઝન્સે લખ્યું કે, આદિત્ય ધરે આ ફિલ્મમાં એ જ બતાવ્યું છે જે પાકિસ્તાન વર્ષોથી ભારત સાથે કરી રહ્યું છે અને રણવીર સિંહના પાત્રે માત્ર તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ વાદ-વિવાદને કારણે ફિલ્મને વધુ પબ્લિસિટી મળી રહી છે.
'ધુરંધર 2' ની વાર્તા એક ભારતીય એજન્ટ પર આધારિત છે જે અત્યંત જોખમી મિશન પર પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરે છે અને ત્યાંના ગુનાહિત નેટવર્કને અંદરથી તોડી પાડે છે. ફિલ્મમાં ભારત પર થયેલા વિવિધ આતંકવાદી હુમલાઓ અને તેના માસ્ટરમાઇન્ડ્સના અંતનું અત્યંત આક્રમક ચિત્રણ કરવામાં આવ્યું છે. રણવીર સિંહનો અભિનય અને દેશભક્તિના ડોઝને કારણે ભારતીય દર્શકો આ ફિલ્મને માથે ઉચકી રહ્યા છે, જ્યારે પાકિસ્તાન અને મધ્ય પૂર્વના દેશોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ હોવા છતાં વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓ તેને જોવા માટે ઉમટી રહ્યા છે. આ ફિલ્મે અત્યારે માત્ર બોક્સ ઓફિસ પર જ નહીં, પરંતુ બંને દેશોના લોકો વચ્ચે પણ એક નવી ચર્ચા છેડી દીધી છે.
