સોની સબની સીરિયલ ‘ઇત્તી સી ખુશી’માં હૃદયસ્પર્શી વળાંક : પુત્રના કાળા કરતૂતો સામે અવાજ ઉઠાવતા માતા મધુરીના પાત્રમાં ઉત્કર્ષા નાયકનો ભાવનાત્મક જુવાળ
કસ્ટડીની લડાઈમાં પુત્ર સંજયના જૂઠાણાં અને કૃત્રિમ બીમારીના નાટકનો પર્દાફાશ કરતી માતાના સીનથી સેટ પર સૌની આંખો ભીની થઈ : અભિનેત્રીએ અંગત જીવનના માતૃત્વના ભાવો સાથે સંઘર્ષ કરી ભજવ્યો કારકિર્દીનો સૌથી મુશ્કેલ સીન

મુંબઈ: સોની સબ પર પ્રસારિત થતી લોકપ્રિય સીરિયલ ‘ઇત્તી સી ખુશી’ હાલમાં એક અત્યંત રોમાંચક અને ભાવનાત્મક વળાંક પર પહોંચી છે. અન્વિતા (સુંબુલ તૌકિર ખાન)ના સંઘર્ષની આ વાર્તામાં હવે કસ્ટડીની લડાઈ તીવ્ર બની છે. આ હાઈ-વોલ્ટેજ ડ્રામામાં પુત્ર પ્રત્યેનો અંધપ્રેમ અને નૈતિકતા વચ્ચે ઝૂલતી માતા મધુરીનું પાત્ર ભજવતી અભિનેત્રી ઉત્કર્ષા નાયકે પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું છે કે, આ સીન શૂટ કરવો તે એક માતા તરીકે તેમના જીવનનો સૌથી કઠિન અનુભવ રહ્યો છે.
પુત્રના પાપ અને માતાનો આંતરદ્વંદ્વ:
વાર્તાના વર્તમાન ટ્રેક મુજબ, સંજય (ઋષિ સક્સેના) સહાનુભૂતિ મેળવવા માટે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું નાટક રચે છે જેથી કસ્ટડીનો કેસ પોતાના પક્ષમાં કરી શકાય. જોકે, તેની માતા મધુરી (ઉત્કર્ષા નાયક) ધીમે-ધીમે તેના પુત્રના કપટને ઓળખી જાય છે. જ્યારે સત્ય સામે આવે છે, ત્યારે એક માતા તરીકે પુત્ર પ્રત્યેના નિઃશ્વાર્થ પ્રેમ અને સત્યનો સાથ આપવાની નૈતિક ફરજ વચ્ચે મધુરી ફસાઈ જાય છે. આ મુકાબલો એટલો ગંભીર હોય છે કે તેને સ્વીકારવું પડે છે કે તેનો પોતાનો પુત્ર ખોટો છે.
શૂટિંગ દરમિયાન અભિનેત્રી થઈ ભાવુક:
પોતાના અનુભવ વિશે વિગતે વાત કરતા ઉત્કર્ષા નાયકે જણાવ્યું હતું કે, “એક માતા તરીકે આ મારા માટે સૌથી મુશ્કેલ સીન પૈકીનો એક હતો. માતૃત્વનો સ્વભાવ હંમેશા પોતાના બાળકને રક્ષણ આપવાનો હોય છે, પરંતુ જ્યારે તમારે તમારા જ બાળકની ભૂલો સામે ઊભા રહેવાનું હોય ત્યારે એ ભાવનાત્મક રીતે ખૂબ જ પીડાદાયક હોય છે. આ સીન શૂટ કરતી વખતે મને પેટમાં ગાંઠ જેવી લાગણી થતી હતી. ભલે આ એક કાલ્પનિક પાત્ર હોય, પણ સતત એ જ વિચાર આવતો હતો કે દુનિયાની કોઈ પણ માતા પોતાના સંતાન વિશે આવું કડવું સત્ય જોવા કે સ્વીકારવા માંગતી નથી.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પોતે વાસ્તવિક જીવનમાં પણ માતા હોવાથી આ સીન સાથે તેઓ અંગત રીતે જોડાઈ ગયા હતા. પાત્રની મજબૂતી અને માતા તરીકેની લાચારી વચ્ચે સતત માનસિક સંઘર્ષ ચાલતો હતો. શૂટિંગ પૂર્ણ થયા બાદ પણ લાંબા સમય સુધી આ સીનની અસર તેમના મન પર રહી હતી, કારણ કે મધુરી માત્ર પુત્ર પર ગુસ્સે નહોતી, પણ અંદરથી તૂટી ગઈ હતી.
સંઘર્ષ અને મજબૂતીની કહાની
નોંધનીય છે કે ‘ઇત્તી સી ખુશી’માં અન્વિતા પોતાના ભાઈ-બહેનો માટે અનેક પડકારોનો સામનો કરી રહી છે. સુંબુલ તૌકિર ખાન અને ઋષિ સક્સેનાના અભિનયથી સજ્જ આ શો સોમવારથી શનિવાર રાત્રે ૯ વાગ્યે સોની સબ પર ટેલિકાસ્ટ કરવામાં આવે છે. આગામી એપિસોડમાં મધુરીનો આ નિર્ણય વાર્તામાં કેવો મોટો વળાંક લાવે છે તે જોવું પ્રેક્ષકો માટે રસપ્રદ રહેશે.
