સોનમ કપૂર બીજી વખત બની માતા
કપૂર ખાનદાનમાં ફરી ગૂંજી કિલકારી

મુંબઈ,તા.૩૦: બોલિવૂડ ની જાણીતી અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાના ઘરે ફરી એકવાર પારણું બંધાયું છે. સોનમે રવિવાર, ૨૯ માર્ચ ૨૦૨૬ના રોજ પોતાના બીજા સંતાન તરીકે પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વહેતા થતા જ ચાહકો અને ફિલ્મી સિતારાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ૪૦ વર્ષની વયે બીજી વખત માતા બનેલી સોનમે આ ખુશીની ક્ષણો પોતાના પ્રશંસકો સાથે શેર કરી છે.
સોનમ કપૂરે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સુંદર નોંધ શેર કરીને આ ગુડ ન્યૂઝ આપ્યા છે. સોનમે લખ્યું છે કે, અત્યંત કૃતજ્ઞતા અને પ્રેમથી ભરેલા હૃદય સાથે આ ખુશીના સમાચાર આપી રહ્યા છીએ કે અમારા ઘરે નાના પુત્રનું આગમન થયું છે. સોનમની આ પોસ્ટમાં તેના પરિવારના વધેલા કદ અને હૃદયમાં ભરાયેલા અસીમ પ્રેમનો અહેસાસ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. પુત્રના જન્મની જાહેરાત થતા જ આ પોસ્ટ વાયરલ થઈ ગઈ છે.
સોનમ અને આનંદનો મોટો પુત્ર વાયુ હવે મોટા ભાઈની ભૂમિકામાં આવી ગયો છે. સોનમે પોતાની પોસ્ટમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે વાયુ પોતાના નાના ભાઈનું સ્વાગત કરીને ખૂબ જ ઉત્સાહિત છે. આ નવું મહેમાન આખા પરિવાર માટે આશીર્વાદ સમાન છે અને ઘરના વાતાવરણમાં નવી ઉર્જા લઈને આવ્યું છે. ચાર સભ્યોના બનેલા આ સુંદર પરિવારના નવા અધ્યાયની શરૂઆત માટે દંપતીએ ઈશ્વરનો આભાર માન્યો છે.
જેવા સોનમે આ સમાચાર શેર કર્યા કે તુરંત જ બોલિવૂડના અન્ય કલાકારો એ અભિનંદન પાઠવવાનું શરૂ કરી દીધું હતું. કરીના કપૂર ખાને સોનમની પોસ્ટ પર પ્રતિક્રિયા આપીને દંપતીને શુભેચ્છાઓ આપી હતી.
