OTT પર એપ્રિલમાં મનોરંજનનો મહાકુંભ: એક-બે નહીં પણ ૧૧ મોટી ફિલ્મો અને વેબ સિરીઝ મચાવશે ધૂમ; રવિ કિશનથી લઈને રાજકુમાર રાવ સુધીના સ્ટાર્સ દેખાશે ડિજિટલ પડદે
ઉનાળાની ગરમીમાં ઠંડક આપશે આ સુપરહિટ લિસ્ટ; સસ્પેન્સ-થ્રિલર, કોમેડી અને રોમાન્સનો જબરદસ્ત તડકો; જાણો નેટફ્લિક્સ, ઝી૫ અને સોની લિવ પર કઈ તારીખે કયો શો થશે રિલીઝ

મુંબઈ : ડિજિટલ પ્લેટફોર્મ પર મનોરંજનના શોખીનો માટે આગામી એપ્રિલ મહિનો અત્યંત ધમાકેદાર રહેવાનો છે. જે લોકો ઘરબેઠા નવી ફિલ્મો અને શ્રેણીઓ જોવાની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે સારા સમાચાર એ છે કે આ મહિનામાં વિવિધ OTT પ્લેટફોર્મ પર કુલ ૧૧ બ્લોકબસ્ટર ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. નેટફ્લિક્સથી લઈને ઝી૫ સુધીના તમામ પ્લેટફોર્મ્સ અત્યારે દર્શકોને આકર્ષવા માટે તૈયાર છે.
કોમેડી અને ડ્રામાની જમાવટ
એપ્રિલની શરૂઆત જ હાસ્યના ફુવારા સાથે થશે. ૧ એપ્રિલે વીર દાસ અને મોના સિંહની 'હેપ્પી પટેલ: ડેન્જરસ ડિટેક્ટીવ' નેટફ્લિક્સ પર રિલીઝ થશે, જેમાં આમિર ખાનનો ખાસ કેમિયો જોવા મળશે. ૩ એપ્રિલે રવિ કિશન તેમની લોકપ્રિય શ્રેણી 'મામલા લીગલ હૈ'ની બીજી સીઝન સાથે પાછા ફરી રહ્યા છે. આ જ દિવસે સ્પોર્ટ્સ ડ્રામા 'સ્ટાર્સ ઓન ધ ગ્રાઉન્ડ' સોની લિવ પર અને સંજય મિશ્રાની ક્રાઈમ થ્રિલર 'વધ ૨' નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
રોમાન્સ અને ક્રાઈમ થ્રિલરનો રોમાંચ
મહિનાના મધ્યમાં પણ ઉત્તેજના જળવાઈ રહેશે. ૧૦ એપ્રિલે શનાયા કપૂરની 'તુ યા મેં' અને ૧૫ એપ્રિલે રાજકુમાર રાવ તથા સાન્યા મલ્હોત્રાની કોમેડી-થ્રિલર 'ટોસ્ટર' રિલીઝ થવાની છે. રોમેન્ટિક ફિલ્મોના શોખીનો માટે ૧૭ એપ્રિલે સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની 'દો દીવાને શહેર મેં' ZEE5 પર આવશે. આ જ દિવસે તાપસી પન્નુની ક્રાઈમ થ્રિલર 'અસી' પણ દર્શકોનું મનોરંજન કરવા તૈયાર હશે.
વૈશ્વિક અને મેડિકલ ડ્રામા
આંતરરાષ્ટ્રીય કન્ટેન્ટ પસંદ કરતા લોકો માટે કોરિયન એક્શન ડ્રામા 'બ્લડહાઉન્ડ્સ'ની સીઝન ૨ પણ ૩ એપ્રિલે આવી રહી છે. મેડિકલ ડ્રામાના ચાહકો માટે ૬ એપ્રિલે સોની લિવ પર 'યાદેં' નામની વેબ સિરીઝ શરૂ થશે. આ યાદી જોતા સ્પષ્ટ છે કે એપ્રિલમાં દરેક રુચિના દર્શકો માટે કઈંકને કઈંક નવું પીરસવામાં આવશે. તો તૈયાર થઈ જાઓ તમારા વીકએન્ડને આ શાનદાર રિલીઝ સાથે એન્જોય કરવા માટે!
