રીલ લાઈફની 'અનુપમા' રિયલ લાઈફમાં પણ બની યશોદા મૈયા: રૂપાલી ગાંગુલીએ નાનકડી આધ્યાને લીધી 'અર્ધ-દત્તક', ફરાહ ખાનના વ્લોગમાં કર્યો મોટો ખુલાસો
માતાના ઘરે રસોઈની મજા સાથે રૂપાલીએ ખોલ્યા દિલના દ્વાર: આધ્યા તેના મામા વિજય ગાંગુલીને નૃત્યના સ્ટેપ્સ શીખવતી હોવાનો રમુજી કિસ્સો શેર કર્યો, શૂટિંગ છોડીને દોડી હતી તેના જન્મ સમયે

મુંબઈ: તા.૧ ટેલિવિઝન સીરિયલ 'અનુપમા' દ્વારા ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ તાજેતરમાં પોતાના અંગત જીવનનો એક અત્યંત સંવેદનશીલ અને સુંદર પાસું જાહેર કર્યું છે. રૂપાલીએ પ્રખ્યાત કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાનના કુકિંગ વ્લોગમાં જણાવ્યું હતું કે, સીરિયલની જેમ જ વાસ્તવિક જીવનમાં પણ તેણે એક નાની દીકરીને 'અર્ધ-દત્તક' (Semi-adopt) લીધી છે. આ નાનકડી પરીનું નામ આધ્યા છે, જે રૂપાલીના હૃદયની ખૂબ જ નજીક છે.
શૂટિંગ છોડીને પહોંચી હતી હોસ્પિટલ
આધ્યા સાથેના પોતાના જોડાણ વિશે વાત કરતા રૂપાલીએ ભાવુક થઈને જણાવ્યું કે, આધ્યાની માતા અનિતા તેના પુત્ર રુદ્રાંશના જન્મ સમયથી જ તેમના પરિવાર સાથે છે. જ્યારે અનિતાને પ્રસૂતિની પીડા ઉપડી ત્યારે રૂપાલી પોતાનું શૂટિંગ અધવચ્ચે છોડીને હોસ્પિટલ દોડી ગઈ હતી. આધ્યાનો જન્મ થયો ત્યારે તેને સૌપ્રથમ પોતાના હાથમાં લેનાર રૂપાલી જ હતી. અભિનેત્રીએ સ્પષ્ટ કર્યું કે તે આધ્યાની કાયદેસરની વાલી છે અને તેને પોતાની સગી દીકરીની જેમ જ ઉછેરી રહી છે.
મામાને ડાન્સ શીખવતી નાની ગુરુ
વ્લોગ દરમિયાન રૂપાલીએ એક અત્યંત રમુજી કિસ્સો શેર કર્યો હતો. રૂપાલીનો ભાઈ વિજય ગાંગુલી પોતે એક જાણીતો કોરિયોગ્રાફર છે, પરંતુ નાનકડી આધ્યા તેને પણ ડાન્સ શીખવવામાં પાછી પડતી નથી. રૂપાલીએ હસતા હસતા કહ્યું, "આધ્યા વિજયને ડાન્સના સ્ટેપ્સ શીખવે છે અને તેને ટોકતા કહે છે કે, 'મામા, આવું ના કરો, આમ કરો!' આ દ્રશ્ય જોવું એ આખા પરિવાર માટે એક લ્હાવો હોય છે."
ફરાહ ખાન સાથે મસ્તી અને મજા
ફરાહ ખાન જ્યારે રૂપાલીની માતાના વરલી સ્થિત ઘરે રસોઈ માટે પહોંચી ત્યારે આખો માહોલ આનંદમય બની ગયો હતો. આ દરમિયાન આધ્યા પણ કેમેરા સામે આવી હતી અને રૂપાલીએ મજાકમાં કહ્યું કે તે તેની દાદીના ઘરે આવવા અને કેમેરામાં દેખાવા માટે ખૂબ જ ઉત્સુક હતી.
વ્યવસાયિક વ્યસ્તતા વચ્ચે પણ રૂપાલી ગાંગુલી જે રીતે માનવીય સંબંધોને પ્રાધાન્ય આપી રહી છે, તેનાથી તેના ચાહકોમાં તેના પ્રત્યેનો આદર વધુ વધી ગયો છે. રીલ લાઈફમાં સંઘર્ષ કરતી 'અનુપમા' રિયલ લાઈફમાં એક પ્રેમાળ માતા અને જવાબદાર વાલી તરીકે ઉભરી આવી છે.
