સોની સબની ‘પુષ્પા ઇમ્પોસિબલ’માં મોટો ઉલટફેર : લાંચના ખોટા આરોપમાં પુષ્પાની ધરપકડ થતા વકીલાતનું લાયસન્સ સસ્પેન્ડ
પ્રામાણિકતા અને હિંમતની મૂર્તિ સમાન પુષ્પા પટેલના અસ્તિત્વ પર ખતરો : શનાયાની કુટિલ ચાલને કારણે આખી ચાલી આઘાતમાં : અપમાન વચ્ચે ઓળખ ગુમાવતા પુષ્પાની ન્યાય માટેની સંઘર્ષગાથામાં નવો રોમાંચક વળાંક

મુંબઈ:સોની સબ ચેનલનો લોકપ્રિય શો 'પુષ્પા ઇમ્પોસિબલ' આગામી દિવસોમાં અત્યંત નાટકીય વળાંક લેવા માટે તૈયાર છે. પોતાની ઈમાનદારી માટે જાણીતી પુષ્પા (કરુણા પાંડે) હાલમાં તેના જીવનના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. એક અણધાર્યા વિવાદમાં ફસાતા તેની આખી ઓળખ અને મૂલ્યો પર સવાલો ઉભા થયા છે.
સીરિયલના આગામી એપિસોડમાં જોવા મળશે કે, કોર્ટનો એક અધિકારી પુષ્પાના નામે કથિત રીતે લાંચની રકમ રિકવર કરે છે, જેના કારણે તેની અચાનક ધરપકડ કરવામાં આવે છે. આ ગંભીર આરોપને પગલે પુષ્પાનું વકીલાત કરવાનું લીગલ લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. આ આઘાતજનક ઘટના પાછળ શનાયા (મુસ્કાન બામણે) ની કુટિલ ચાલ હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, પુષ્પા કોઈ પણ નક્કર પુરાવા વિના કોઈના પર આક્ષેપ કરવાને બદલે મર્યાદા સાથે સત્યની લડાઈ લડવાનો નિર્ણય કરે છે.
પુષ્પા પટેલનો રોલ નિભાવી રહેલી અભિનેત્રી કરુણા પાંડેએ જણાવ્યું હતું કે, “પુષ્પા હંમેશા આત્મસન્માન માટે લડી છે, તેથી લાંચ જેવા આરોપ અને લાયસન્સ ગુમાવવું તેની ઓળખ હચમચાવી નાખનારી ઘટના છે. તે ગુસ્સાને બદલે સંયમ સાથે સત્ય સાબિત કરવા નીકળી છે.” હવે જોવાનું એ રહેશે કે શું પુષ્પા પોતાની નિર્દોષતા સાબિત કરી શકશે? આ રોમાંચક ડ્રામા સોની સબ પર સોમવારથી શનિવાર રાત્રે ૯:૩૦ વાગ્યે જોઈ શકાશે.
