ટેલિવિઝન પર 'ખિલાડી'નો કમબેક: 'નાગિન 7'માં અક્ષય કુમાર બનશે નાગગુરુ : ડ્રેગન સામેના મહાયુદ્ધમાં આપશે સાથ!
એકતા કપૂરના સુપરહિટ શોમાં અક્ષય કુમારની સરપ્રાઈઝ એન્ટ્રીથી સોશિયલ મીડિયા પર ધૂમ : પોતાની આગામી હોરર-કોમેડી 'ભૂત બંગલા' ના પ્રમોશન માટે અક્કીએ ધારણ કર્યું 'ગુરુ'નું રૂપ

મુંબઈ: નાના પડદાના સૌથી લોકપ્રિય શો 'નાગિન 7'માં એક એવો વળાંક આવ્યો છે જેની કલ્પના કોઈએ કરી નહોતી. બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર હવે આ સીરિયલમાં એક શક્તિશાળી 'નાગિન ગુરુ'ના પાત્રમાં જોવા મળશે. શોના લેટેસ્ટ પ્રોમોએ ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે, જેમાં અક્ષય કુમાર નાગિન્સને ખતરનાક ડ્રેગન સામે લડવા માટે તૈયાર કરતા અને માર્ગદર્શન આપતા દેખાય છે. આ ખાસ એપિસોડ આવતીકાલે એટલે કે 5 એપ્રિલે રાત્રે 8 વાગ્યે કલર્સ ટીવી પર પ્રસારિત થશે. વર્ષો પછી અક્ષયને ટીવી પર આ રીતે જોવો એ ચાહકો માટે કોઈ મોટી ટ્રીટથી ઓછું નથી.
હકીકતમાં, આ એન્ટ્રી પાછળ અક્ષયની આગામી ફિલ્મ 'ભૂત બાંગ્લા'નું પ્રમોશન હોવાનું મનાય છે. એકતા કપૂરે સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરતા લખ્યું છે, "જ્યારે કોમેડીનો રાજા નાગિન્સની રાણીને મળે છે!" આ સ્પેશિયલ ક્રોસઓવર એપિસોડમાં અક્ષય કુમાર અને મુખ્ય અભિનેત્રી પ્રિયંકાની કેમેસ્ટ્રી જોવા જેવી હશે. સોશિયલ મીડિયા પર ફેન્સ અત્યારથી જ આ જોડીના વખાણ કરી રહ્યા છે. પ્રિયંકાના ફેન્સ તેને અક્ષય કુમાર જેવા મોટા સ્ટાર સાથે સ્ક્રીન શેર કરતા જોઈને ફૂલ્યા નથી સમાતા. 'નાગિન'ની રહસ્યમય દુનિયામાં અક્ષયની એન્ટ્રીથી શોના ટીઆરપીના રેકોર્ડ તૂટે તો નવાઈ નહીં!
બીજી તરફ, અક્ષયની ફિલ્મ 'ભૂત બાંગ્લા'ની રિલીઝ ડેટમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રિયદર્શનના નિર્દેશનમાં બનેલી આ હોરર-કોમેડી હવે 10 એપ્રિલને બદલે 17 એપ્રિલ, 2026ના રોજ સિનેમાઘરોમાં દસ્તક દેશે. 'ધુરંધર 2'ની અકલ્પનીય સફળતાને જોતા મેકર્સે આ નિર્ણય લીધો છે. ફિલ્મમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ અને તબ્બુ જેવા માંધાતા કલાકારો છે, જે પ્રેક્ષકોને હસાવવા અને ડરાવવા માટે તૈયાર છે. ટીવી પર 'નાગિન ગુરુ' અને થિયેટરમાં 'ભૂત બંગલા - અક્ષય કુમારના ચાહકો માટે આ મહિનો મનોરંજનથી ભરપૂર રહેવાનો છે.
