" અમારા પરિવારમાં પત્નીની સફળતાથી ડરવાનો કોઈ રિવાજ નથી ": ઐશ્વર્યા સાથેના સંબંધો અને દીકરી આરાધ્યાના ઉછેર પર અભિષેક બચ્ચનનું દિલ ખોલીને નિવેદન
પારિવારિક જીવનમાં પરંપરાગત 'જેન્ડર રોલ્સ' સામે જુનિયર બચ્ચનનો સવાલ: દીકરી આરાધ્યાના એક સવાલે પિતા તરીકેનો નજરીયો બદલી નાખ્યો, ટ્રોલ્સને પણ આપ્યો સણસણતો જવાબ

મુંબઈ : બોલિવૂડના પાવર કપલ ગણાતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નજીવન અંગે હંમેશા સોશિયલ મીડિયા પર અનેક અટકળો ચાલતી હોય છે. ત્યારે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં અભિષેક બચ્ચને પોતાના અંગત જીવન, પત્ની ઐશ્વર્યા સાથેની કેમિસ્ટ્રી અને પેરેન્ટિંગ વિશે અત્યંત ચોંકાવનારી અને પ્રેરણાદાયી વાતો શેર કરી છે. અભિષેકે સ્પષ્ટ કર્યું કે તેમના સંબંધોનો પાયો 'પાર્ટનરશિપ' પર ટકેલો છે, કોઈ સ્પર્ધા કે પરંપરાગત ઘરેલું ભૂમિકાઓ પર નહીં.
અભિષેકે લગ્નજીવનમાં 'ઈગો' અને પુરુષત્વના ખોટા ખ્યાલો પર વાત કરતા જણાવ્યું કે, "હું એવા લગ્ન બિલકુલ નથી ઈચ્છતો જ્યાં મારી પત્નીએ મને 'પુરુષ' હોવાનો અહેસાસ કરાવવા માટે પોતાની કારકિર્દી સાથે સમાધાન કરવું પડે." તેમણે ઉમેર્યું કે મારા માતા જયા બચ્ચન જ્યારે પિતા અમિતાભ સાથે લગ્નગ્રંથિથી જોડાયા ત્યારે તેઓ મોટા સ્ટાર હતા, એટલે અમારા પરિવારમાં પત્નીની સફળતાથી ડરવાનો કોઈ રિવાજ નથી. અભિષેક મુજબ, તે અને ઐશ્વર્યા પહેલા સારા મિત્રો હતા અને આજે પણ એ જ મિત્રતા તેમના સંબંધોને જીવંત રાખે છે.
દીકરી આરાધ્યા વિશે વાત કરતા અભિષેકે એક રસપ્રદ કિસ્સો શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે એકવાર આરાધ્યાએ મને પાણીના ગ્લાસ બાબતે એવો સવાલ પૂછ્યો કે મારી પાસે કોઈ જવાબ નહોતો. જ્યારે મેં પિતા તરીકેના હકથી પાણી માંગ્યું, ત્યારે અડધા કલાક પછી આરાધ્યાએ પણ મને સામે પાણી લાવવા કહ્યું. મેં જ્યારે કારણ પૂછ્યું ત્યારે તેણે તાર્કિક જવાબ આપ્યો કે, "જો તમે મને કહી શકો, તો હું તમને કેમ ન કહી શકું?" આ નાનકડી વાતથી અભિષેકને સમજાયું કે બાળકો પર સત્તા ચલાવવાને બદલે તેમની સાથે સમાનતાથી વર્તવું જોઈએ. બચ્ચન દંપતી પોતાની દીકરીને કડક શિસ્તને બદલે પોતે સારા ઉદાહરણ બનીને સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે.
