કરણ જોહર માટે 'સપનું સાચું થયું': ટોક્યોમાં મેરિલ સ્ટ્રીપ અને એન હેથવે સાથે ખાસ મુલાકાત, બોલીવુડ ડાયરેક્ટરનો 'ફેનબોય' અંદાજ વાયરલ
"આ ફોટો મારા વસિયતનામામાં જશે" - હોલીવુડની દિગ્ગજ અભિનેત્રીઓને મળીને કરણના ઘૂંટણ ધ્રૂજવા લાગ્યા, 47 વાર જોઈ છે તેમની સુપરહિટ ફિલ્મ 'ધ ડેવિલ વિયર્સ પ્રાદા'

ટોક્યો: બોલીવુડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહર અત્યારે સાતમા આસમાને છે. જાપાનની રાજધાની ટોક્યોની મુલાકાત દરમિયાન કરણને એક એવી તક મળી જેની તેણે કદાચ કલ્પના પણ નહીં કરી હોય. કરણ જોહર હોલીવુડની બે સૌથી પ્રતિષ્ઠિત અભિનેત્રીઓ - ઓસ્કાર વિજેતા મેરિલ સ્ટ્રીપ અને એન હેથવેને મળ્યા હતા. આ મુલાકાતનો ફોટો શેર કરતા કરણે કબૂલાત કરી હતી કે તે આ બંને સ્ટાર્સનો કેટલો મોટો પ્રશંસક છે.
જ્યારે જમીન ધ્રૂજવા લાગી અને હૃદયના ધબકારા વધ્યા
કરણે ઇન્સ્ટાગ્રામ પર આ યાદગાર પળનો ફોટો શેર કરતા એક લાંબી અને ભાવુક પોસ્ટ લખી છે. તેણે જણાવ્યું કે જ્યારે તે મેરિલ અને એન હેથવેની સામે ઉભો હતો, ત્યારે તેને લાગ્યું કે જાણે જમીન ધ્રૂજી રહી છે. કરણે લખ્યું, "મેં શાંત રહેવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ મારું હૃદય ખૂબ જ જોરથી ધબકતું હતું અને મારા ઘૂંટણ સાચે જ ધ્રૂજી રહ્યા હતા. મેરિલ સ્ટ્રીપ મારા માટે એક ગુરુ સમાન છે, જેમણે મને અભિનયની કળા શીખવી છે."
47 વાર જોઈ છે ફિલ્મ, ડાયલોગ્સ પણ છે મોઢે
કરણ જોહરે એક મોટો ખુલાસો કરતા કહ્યું કે તેણે મેરિલ સ્ટ્રીપ અને એન હેથવેની પ્રખ્યાત ફિલ્મ 'ધ ડેવિલ વિયર્સ પ્રાદા' (The Devil Wears Prada) ઓછામાં ઓછી 47 વાર જોઈ છે. તે ઘણીવાર બોર્ડ મીટિંગ્સ કે એડિટિંગ રૂમમાં પણ આ ફિલ્મના ડાયલોગ્સ બોલે છે. કરણે મજાકમાં એમ પણ ઉમેર્યું કે આ ફોટો એટલો કિંમતી છે કે તે તેને પોતાની 'વસિયત'માં પણ સામેલ કરશે.
'ધ ડેવિલ વિયર્સ પ્રાદા 2' માટે ફરી સાથે
તમને જણાવી દઈએ કે મેરિલ સ્ટ્રીપ અને એન હેથવે હાલમાં તેમની આગામી ફિલ્મ "ધ ડેવિલ વિયર્સ પ્રાદા 2" ના પ્રમોશન માટે ટોક્યોમાં છે. આ ફિલ્મ 1 મે ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, જેમાં આ જોડી ફરી એકવાર મિરાન્ડા પ્રિસ્ટલી અને એન્ડી સૅક્સ તરીકે ધૂમ મચાવશે. કરણ જોહરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે અને ફેન્સ પણ બોલીવુડ ડાયરેક્ટરની આ ખુશીમાં સહભાગી થઈ રહ્યા છે.
