અક્ષય કુમારની આંખો છલકાઈ: 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન'ના ફિનાલે શૂટિંગમાં રડી પડ્યો ખેલાડી કુમાર, 65 એપિસોડની સફરનો પ્રોમો જોઈ ભાવુક થયો સુપરસ્ટાર
૨૭ એપ્રિલે ગ્રાન્ડ ફિનાલેમાં ફરાહ ખાન, ભૂમિ પેડનેકર અને જેકલીન ફર્નાન્ડીઝ આપશે હાજરી; શોના નિર્માતાઓએ અક્ષયને ખાસ શ્રદ્ધાંજલિ વીડિયો બતાવી સરપ્રાઈઝ આપી

મુંબઈ: બોલિવૂડના 'ખેલાડી' અક્ષય કુમાર માટે અત્યારે લાગણીઓનો મહાસાગર ઉમટ્યો છે. તેનો લોકપ્રિય ક્વિઝ રિયાલિટી શો 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન' હવે તેના અંતિમ પડાવ પર છે. ૨૭ એપ્રિલે યોજાનારા ગ્રાન્ડ ફિનાલેના શૂટિંગ દરમિયાન અક્ષય કુમાર પોતાની જાત પર કાબૂ રાખી શક્યો નહોતો અને કેમેરા સામે જ રડી પડ્યો હતો. નિર્માતાઓએ અક્ષય માટે એક સ્પેશિયલ મોન્ટેજ વીડિયો બનાવ્યો હતો, જેમાં તેની ૬૫ એપિસોડની સફરની સુંદર ક્ષણો વણી લેવામાં આવી હતી.
શનિવારે ૨૫ એપ્રિલના રોજ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા નવા પ્રોમોમાં જોઈ શકાય છે કે, સ્ટેજ પર અક્ષય કુમારની સફરને સલામ કરતો એક વીડિયો પ્લે કરવામાં આવે છે. આ વીડિયોમાં હૃદયસ્પર્શી મેસેજ હતો: "કાલથી આ મંચ નહીં હોય, પરંતુ તમારી મુસ્કાન યાદ રહેશે, તમારી શરારતો અને નાદાનીઓ યાદ રહેશે. તમે યાદ રહેશો." આ શબ્દો સાંભળીને અક્ષય પોતાની આંખોના આંસુ રોકી શક્યો નહોતો અને ભાવુક થઈને ગળે વળગી પડ્યો હતો.
મામાએ એક પણ શો મિસ નથી કર્યો - અક્ષય:
ભીની આંખે અક્ષયે શોના અનુભવો શેર કરતા જણાવ્યું હતું કે, આ સફરમાં લગભગ ૨૦૦ સ્પર્ધકોએ ભાગ લીધો અને ૬૫ એપિસોડ દરમિયાન ઘણી અવિસ્મરણીય યાદો બની છે. તેણે સ્ટેજ પર હાજર પોતાના મામાનો ઉલ્લેખ કરતા કહ્યું, "મારા મામા અહીં આવ્યા છે, તેમણે એક પણ એપિસોડ મિસ નથી કર્યો. તેઓ મને કહે છે કે બેટા રાત્રે ૯ વાગ્યા એટલે હું ટીવી સામે બેસી જ જાઉં છું." અક્ષયે સમગ્ર ભારતનો આભાર માનતા કહ્યું કે આટલો પ્રેમ આપવા બદલ હું આભારી છું.
ફિલ્મી મોરચે અક્ષયની ધૂમ:
ટીવી શોના ફિનાલેની સાથે અક્ષય ફિલ્મોમાં પણ વ્યસ્ત છે. તાજેતરમાં જ તેની હોરર-કોમેડી ફિલ્મ 'ભૂત બાંગ્લા' રિલીઝ થઈ છે, જેમાં પરેશ રાવલ અને રાજપાલ યાદવ જેવા દિગ્ગજો છે. આ ઉપરાંત આગામી સમયમાં તે 'વેલકમ ટુ ધ જંગલ', 'હૈવાન' અને 'ગોલમાલ ૫' જેવી મોટી ફિલ્મોમાં જોવા મળશે. 'વ્હીલ ઓફ ફોર્ચ્યુન'નો ફિનાલે એપિસોડ ફરાહ ખાન અને જેકલીન ફર્નાન્ડીઝની મસ્તી સાથે અક્ષયના આંસુઓથી પ્રેક્ષકોને પણ ભાવુક કરી દેશે તે ચોક્કસ છે.
