<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 5th May 2026

ઇમ્તિયાઝ અલીની ફિલ્મનું નવું ગીત 'મસ્કરા' રિલીઝ: શર્વરી વાઘના અનોખા ડાન્સે જીત્યા ચાહકોના દિલ; એ.આર. રહેમાનના સંગીતે જમાવ્યો જાદુ

'મેં વાપસ આઉંગા' માં શર્વરી અને વેદાંગ રૈનાની જોવા મળી રોમેન્ટિક કેમિસ્ટ્રી: ૧૯૪૭ના ભાગલા સમયની આ પ્રેમકથામાં પંજાબી અંદાજમાં જોવા મળી અભિનેત્રી

મુંબઈ : બોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી ફરી એકવાર મોટા પડદા પર હૃદયસ્પર્શી પ્રેમકથા 'મેં વાપસ આઉંગા' લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું લેટેસ્ટ રોમેન્ટિક ગીત 'મસ્કરા' આજે રિલીઝ કરવામાં આવ્યું છે, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ ગીતમાં અભિનેત્રી શર્વરી વાઘ અને વેદાંગ રૈના વચ્ચેની નિર્દોષ અને ખીલતી મોહબ્બતની ઝલક જોવા મળે છે.
એ.આર. રહેમાન અને ઇર્શાદ કામિલની જોડીની કમાલ
સંગીત ક્ષેત્રના દિગ્ગજ એ.આર. રહેમાને આ ગીતને સ્વરબદ્ધ કર્યું છે, જ્યારે તેના અર્થસભર ગીતો ઇર્શાદ કામિલ દ્વારા લખવામાં આવ્યા છે. 'મસ્કરા' ગીતને નીલાંજના ઘોષ દસ્તીદાર અને પોતે અભિનેતા વેદાંગ રૈનાએ અવાજ આપ્યો છે. આ ગીત યુવાન પ્રેમીઓ વચ્ચેની રમતિયાળ છેડછાડ અને એકબીજા પ્રત્યેના આકર્ષણને ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરે છે.
પંજાબી લુકમાં શર્વરીનો ક્યૂટ ડાન્સ
ગીતની સૌથી મોટી હાઈલાઈટ શર્વરી વાઘનો ડાન્સ છે. ગીતમાં શર્વરી માથે પાઘડી (ટર્બન) બાંધીને ખૂબ જ ક્યૂટ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળે છે, જે ચાહકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. શર્વરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ગીત શેર કરતા તેને 'રોમાન્સની મસ્તી' તરીકે ગણાવ્યું છે. ગીતમાં રહેલા ભાવ વણકહ્યા છતાં ઘણું બધું કહી જાય છે.
ફિલ્મની વાર્તા અને સ્ટાર કાસ્ટ
'મેં વાપસ આઉંગા' ફિલ્મમાં દિલજીત દોસાંજ, વેદાંગ રૈના, શર્વરી અને નસીરુદ્દીન શાહ મુખ્ય ભૂમિકામાં છે. ટીઝર મુજબ, આ ફિલ્મ ૧૯૪૭ના ભારત-પાકિસ્તાનના ભાગલા સમયની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મમાં નસીરુદ્દીન શાહના યુવાનીના પાત્રમાં વેદાંગ રૈના જોવા મળશે, જ્યારે શર્વરી તેની પ્રેમિકાની ભૂમિકા ભજવી રહી છે. આ વાર્તા પ્રેમ, વિરહ અને વર્ષો સુધી અકબંધ રહેલી યાદોની સફર છે.
એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ પ્રસ્તુત આ ફિલ્મ ૧૨ જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

(9:10 PM IST)