કાન્સમાં આલિયા ભટ્ટે ધીરજ ગુમાવી: "હો ગયા અભી?" કહીને પાપારાઝી પર ભડકી અભિનેત્રી, ભીડ વચ્ચે રસ્તો રોકાતા આલિયાનો પારો સાતમા આસમાને!
રેડ કાર્પેટ પર સાડી લુકથી કામણ પાથરનારી આલિયા સેલ્ફી લેનારાઓથી ચિડાઈ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો, ગાર્ડ્સે માંડ-માંડ કાર સુધી પહોંચાડી

કાન્સ (ફ્રાન્સ), તા.૧૩: ફ્રેન્ચ રિવેરા પર ચાલી રહેલા પ્રતિષ્ઠિત 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬'માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી આલિયા ભટ્ટ અત્યારે હેડલાઇન્સમાં છે, પરંતુ આ વખતે તેની ફેશન નહીં પણ તેના ગુસ્સાને કારણે તે ચર્ચામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં આલિયા સ્પષ્ટપણે ચિડાયેલી અને પરેશાન જોવા મળી રહી છે. ફોટોગ્રાફર્સ અને ફેન્સની ભીડે તેનો રસ્તો રોકતા આલિયાએ પોતાનો મિજાજ ગુમાવ્યો હતો અને તીખા સ્વરે પૂછ્યું હતું કે, "હો ગયા અભી?" (હવે થઈ ગયું?).
ચાહકોની ભીડમાં ફસાઈ અભિનેત્રી
ઘટના ત્યારે બની જ્યારે આલિયા ફેસ્ટિવલના એક કાર્યક્રમમાંથી બહાર નીકળી રહી હતી. આલિયાને જોતા જ ફોટોગ્રાફર્સ અને સેલ્ફીના શોખીન ચાહકોએ તેને ચારેબાજુથી ઘેરી લીધી હતી. શરૂઆતમાં આલિયાએ હસીને વાતચીત કરવાનો અને પોઝ આપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ભીડ સતત વધતી રહી અને તેનો રસ્તો સાવ બ્લોક થઈ ગયો. જ્યારે લોકો સાવ નજીક આવી ગયા ત્યારે આલિયાની ધીરજ ખૂટી ગઈ હતી. સુરક્ષા કર્મચારીઓએ તરત જ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને માનવ સાંકળ બનાવીને તેને સુરક્ષિત રીતે કાર સુધી પહોંચાડી હતી.
ભારત પેવેલિયનમાં દેશી લુકનો જાદુ
ભલે આ વીડિયો વાયરલ થયો હોય, પરંતુ કાન્સમાં આલિયાની ફેશન સેન્સના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યા છે. ફેસ્ટિવલના બીજા દિવસે આલિયાએ ભારત પેવેલિયનના ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેણે પરંપરાગત ભારતીય સાડીથી પ્રેરિત 'કસ્ટમ આઇવરી આઉટફિટ' પહેર્યો હતો. આ ડ્રેસમાં ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમી આધુનિકતાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. તેના કોર્સેટ-શૈલીના ગાઉને ફેશન ક્રિટિક્સનું દિલ જીતી લીધું હતું.
આગામી ફિલ્મો પર નજર
આલિયા ભટ્ટ માત્ર કાન્સમાં જ નહીં પણ બોક્સ ઓફિસ પર પણ ધમાકો કરવા તૈયાર છે. આ વર્ષે જુલાઈમાં તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'આલ્ફા' રિલીઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત, તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'લવ એન્ડ વોર'માં પણ જોવા મળશે, જેમાં તેની સાથે રણબીર કપૂર અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. કાન્સ ૨૦૨૬માં આલિયાની દરેક હિલચાલ પર અત્યારે આખી દુનિયાની નજર ટકેલી છે.
