OTT પર સૈફ અલી ખાનનો દબદબો: 'કર્તવ્ય' એ રિલીઝ થતા જ નેટફ્લિક્સ પર મચાવ્યો હાહાકાર!
હરિયાણાના ક્રૂર ગુનાખોરી અને ભ્રષ્ટાચારની આસપાસ વણાયેલી ૧ કલાક ૪૯ મિનિટની આ ફિલ્મે દર્શકોના રુંવાડા ઉભા કર્યા

નવી દિલ્હી: OTT પ્લેટફોર્મ પર દર અઠવાડિયે અનેક ફિલ્મો અને સિરીઝ આવતી હોય છે, પરંતુ બહુ ઓછી કૃતિઓ પ્રેક્ષકોના દિલ જીતી શકે છે. હાલમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી સૈફ અલી ખાનની ક્રાઈમ થ્રિલર ફિલ્મ 'કર્તવ્ય' એ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર ૧ કલાક અને ૪૯ મિનિટની આ ફિલ્મ ટૂંકા સમયમાં જ ભારત સહિત અનેક દેશોમાં ટ્રેન્ડિંગ લિસ્ટમાં ટોચ પર પહોંચી ગઈ છે. હરિયાણાના પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મમાં સૈફ અલી ખાને એક નિષ્ઠાવાન પણ સિસ્ટમથી કંટાળેલા પોલીસ અધિકારી પવન મલિકનું જે પાત્ર ભજવ્યું છે, તેણે વિવેચકો અને ચાહકોના દિલ જીતી લીધા છે.
ફિલ્મની વાર્તા અત્યંત જટિલ અને રહસ્યમયી છે. તેમાં એક પત્રકાર રીમા દત્તાની હત્યાની તપાસ દ્વારા પાવરફુલ ગુરુઓ, ગુમ થયેલા બાળકો અને રાજકીય સાંઠગાંઠનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પવન મલિક (સૈફ) જ્યારે આ કેસની તપાસ કરે છે ત્યારે તેને ડગલે ને પગલે ભ્રષ્ટાચાર અને જાતિવાદના કડવા અનુભવો થાય છે. ફિલ્મની ખાસિયત એ છે કે તે માત્ર એક મર્ડર મિસ્ટ્રી નથી, પરંતુ સામાજિક કુરીતિઓ પર પણ આકરા પ્રહાર કરે છે. રસિકા દુગ્ગલ અને સંજય મિશ્રા જેવા દિગ્ગજ કલાકારોના અભિનયે આ ક્રાઈમ ડ્રામામાં પ્રાણ ફૂંકી દીધા છે.
રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બનેલી અને પુલકિત દ્વારા દિગ્દર્શિત 'કર્તવ્ય' ને IMDb પર પણ શાનદાર રેટિંગ મળ્યું છે. ફિલ્મમાં અંગત સંબંધો અને વ્યાવસાયિક ફરજ (કર્તવ્ય) વચ્ચેનો સંઘર્ષ ખૂબ જ સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે. ખાસ કરીને હરિયાણાની સ્થાનિક બોલી અને વાતાવરણને કારણે ફિલ્મ વધુ વાસ્તવિક લાગે છે. ૧૫ મેના રોજ રિલીઝ થયા બાદ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે. જો તમે હજી સુધી આ ક્રાઈમ થ્રિલર નથી જોઈ, તો આ વીકેન્ડ પર તે ચોક્કસ જોવી જોઈએ.
