<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 16th May 2026

ડેનિયલ ક્રેગ પછી જોન અબ્રાહમ બની શકે છે આગામી 'જેમ્સ બોન્ડ'! વિખ્યાત ડાયરેક્ટર શેખર કપૂરના ટ્વીટે મચાવી ધૂમ, જોને આપ્યો જોરદાર જવાબ

"જોન પાસે બોન્ડ બનવા માટે પરફેક્ટ ચાર્મ અને એટ્રેક્શન છે"; હોલિવૂડમાં ડેનિયલ ક્રેગની પ્રતિભા સૌપ્રથમ ઓળખનારા શેખર કપૂરની ભવિષ્યવાણીથી સિનેમા જગતમાં ભારે ઉત્સાહ

મુંબઈ: હોલિવૂડની ઓલ-ટાઇમ ફેવરિટ સ્પાંય ફ્રેન્ચાઇઝી 'જેમ્સ બોન્ડ' (James Bond) ના આગામી ગ્લોબલ ચહેરાને લઈને વિશ્વભરમાં અટકળોનો દોર ચાલી રહ્યો છે. ડેનિયલ ક્રેગે ફિલ્મ 'નો ટાઈમ ટુ ડાઈ' પછી સત્તાવાર રીતે બોન્ડ સિરીઝને અલવિદા કહી દીધું છે, ત્યારથી આંતરરાષ્ટ્રીય સ્તરે નવા '007' ની શોધ ચાલુ છે. આ વૈશ્વિક ચર્ચા વચ્ચે ભારતીય સિનેમાના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફિલ્મ નિર્માતા અને ડાયરેક્ટર શેખર કપૂરે એક મોટો બોમ્બ ફોડ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જાહેરાત કરી છે કે, ડેનિયલ ક્રેગ પછી જો કોઈ ભારતીય અભિનેતા જેમ્સ બોન્ડની આ આઇકોનિક ભૂમિકા ભજવવા માટે સક્ષમ છે, તો તે માત્રને માત્ર જોન અબ્રાહમ (John Abraham) છે.

શેખર કપૂરે કેમ લીધું જોનનું નામ? જુનો કનેક્શન આવ્યો સામે

શેખર કપૂરે પોતાની વાયરલ પોસ્ટમાં એક ખૂબ જ રસપ્રદ અને ઐતિહાસિક કનેક્શન યાદ કરાવ્યું હતું. તેમણે લખ્યું કે, વર્ષો પહેલાં હોલિવૂડના મેકર્સ દ્વારા શેખર કપૂરની ક્લાસિક ફિલ્મ 'એલિઝાબેથ' જોયા બાદ જ ડેનિયલ ક્રેગની પ્રતિભાથી પ્રભાવિત થઈને તેને જેમ્સ બોન્ડની ભૂમિકા માટે કાસ્ટ કરવામાં આવ્યો હતો. શેખર કપૂરના આ અનુભવ અને બારીક નજરના કારણે જ તેમની આ ટ્વીટે વૈશ્વિક સ્તરે સોશિયલ મીડિયા પર ભારે ધ્યાન ખેંચ્યું છે. ઇન્ડસ્ટ્રીના લોકો પણ માની રહ્યા છે કે જોન અબ્રાહમની શાનદાર ફિઝિક, ક્લાસિક લુક અને એક્શન સ્કીલ્સ બોન્ડના પાત્ર સાથે ૧૦૦ ટકા મેચ થાય છે.

"હું માર્ટીની ઓર્ડર કરવાની પ્રેક્ટિસ શરૂ કરીશ..." – જોનનો રમતિયાળ જવાબ

દિગ્દર્શક શેખર કપૂર તરફથી મળેલી આ અણધારી અને ભવ્ય પ્રશંસા પર બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમે પણ ભારે ઉત્સાહ અને સન્માન સાથે વળતો જવાબ આપ્યો હતો. જોને 'X' પર રી-ટ્વીટ કરતા લખ્યું કે, "સાહેબ, તમારા આ શબ્દોથી હું ખૂબ જ ગૌરવ અને સન્માનની લાગણી અનુભવી રહ્યો છું. તમે જ એ વ્યક્તિ છો જેણે આખી દુનિયા પહેલાં ડેનિયલ ક્રેગની અંદર છુપાયેલી અદભુત ક્ષમતાને ઓળખી લીધી હતી, તેથી તમારા આ અભિપ્રાયનો મારા માટે ઘણો મોટો અર્થ છે." આ સાથે જ જેમ્સ બોન્ડની ફેમસ સ્ટાઈલ પર કટાક્ષ કરતા જોને રમતિયાળ અંદાજમાં ઉમેર્યું કે, "હવે તમારી આ વાત પછી, હું મારી માર્ટીની (ડ્રિંક) કેવી રીતે ઓર્ડર કરવી તેની પ્રેક્ટિસ કરવાનું અત્યારથી જ શરૂ કરી દઈશ..."

મિસ્ટર ઈન્ડિયાના ડાયરેક્ટર સાથે જોન અબ્રાહમના આગામી સુપર પ્રોજેક્ટ્સ

આ સનસનાટીભર્યા નિવેદન પાછળ શેખર કપૂરનું કદ પણ ઘણું મોટું છે, જેમણે ભારતીય સિનેમાને 'મિસ્ટર ઈન્ડિયા' અને 'બેન્ડિટ ક્વીન' જેવી માસ્ટરપીસ ફિલ્મો આપી છે. બીજી તરફ જોન અબ્રાહમના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં જ ડિરેક્ટર રોહિત શેટ્ટીની આગામી બિગ-બજેટ ફિલ્મમાં જોવા મળશે, જે મુંબઈના પૂર્વ પ્રખ્યાત પોલીસ ઓફિસર રાકેશ મારિયાની બાયોપિક છે. આ ફિલ્મમાં જોન કડક આઈપીએસ (IPS) ઓફિસરનો રોલ પ્લે કરી રહ્યો છે. આ ઉપરાંત, જોન તેની સુપરહિટ એક્શન સિરીઝ 'ફોર્સ ૩' (Force 3) ના શૂટિંગમાં પણ વ્યસ્ત છે, જેમાં તે પહેલીવાર યુવા સ્ટાર હર્ષવર્ધન રાણે સાથે જોડી જમાવતો જોવા મળશે.

(11:36 PM IST)