'હેરા ફેરી 3' માંથી પરેશ રાવલની એક્ઝિટ? સાઈનિંગ અમાઉન્ટ 15% વ્યાજ સાથે પરત કરી, પેમેન્ટ ક્લોઝને લઈને નારાજગી, 2027 પહેલા રિલીઝ મુશ્કેલ
બોલિવૂડના દિગ્ગજ એક્ટર પરેશ રાવલે ફરી એકવાર 'હેરા ફેરી 3' છોડી દીધી હોવાના અહેવાલ: 15 કરોડની ફીમાંથી માત્ર 11 લાખ એડવાન્સ મળ્યા, બાકીના 14.89 કરોડ ફિલ્મ રિલીઝના એક મહિના પછી મળવાના હતા, શૂટિંગ 2025માં શરૂ થતાં 2 વર્ષ રાહ જોવી પડે તેના કારણે વાંધો

મુંબઈ: કોમેડી ફ્રેન્ચાઈઝી 'હેરા ફેરી 3' ફરી એકવાર વિવાદમાં આવી છે. Bollywood Hungamaના રિપોર્ટ મુજબ એક્ટર પરેશ રાવલે ફિલ્મમાંથી એક્ઝિટ લઈ લીધી છે અને સાઈનિંગ અમાઉન્ટ 15% વાર્ષિક વ્યાજ તથા વધારાની રકમ સાથે પરત કરી દીધી છે.
સૂત્રોના હવાલાથી રિપોર્ટમાં જણાવાયું છે કે પરેશ રાવલની કુલ ફી 15 કરોડ રૂપિયા નક્કી થઈ હતી. પરંતુ કોન્ટ્રાક્ટ મુજબ તેમને માત્ર 11 લાખ રૂપિયા એડવાન્સ મળ્યા હતા, જ્યારે બાકીના 14.89 કરોડ રૂપિયા ફિલ્મ રિલીઝ થયાના એક મહિના બાદ આપવાના હતા. પરેશ રાવલ આ શરતથી ખુશ નહોતા. ફિલ્મનું મુખ્ય શૂટિંગ આવતા વર્ષે શરૂ થવાનું છે, જેથી 'હેરા ફેરી 3' 2026ના અંતમાં કે 2027માં રિલીઝ થાય તેવી શક્યતા છે. એટલે કે પરેશ રાવલને બાકીની ફી માટે લગભગ બે વર્ષ રાહ જોવી પડત.
અગાઉ પણ મેકર્સ સાથે વિવાદ બાદ પરેશ રાવલે ફિલ્મ છોડી દીધી હતી અને બાદમાં તેમને પાછા લાવવામાં આવ્યા હતા. હાલમાં એક્ટર કે મેકર્સ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ફેન્સ અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલની ઓરિજિનલ ત્રિપુટીના ફરી મળવાની રાહ જોઈ રહ્યા છે.
