ગ્લેમર વર્લ્ડની 'ડ્રામા ક્વીન' રાખી સાવંતનું છલકાયું દર્દ: "લોકો મને પત્ની બનવા લાયક નથી સમજતા, પતિ મારી સંપત્તિ હડપ કરવા મને મારી નાખવા માંગતો હતો"
ત્રણ વર્ષમાં બે લગ્ન તૂટ્યા બાદ એગ ફ્રીઝિંગ કરાવી ચૂકેલી અભિનેત્રીએ સાચો પ્રેમ ન મળ્યાનો અફસોસ વ્યક્ત કર્યો, બીજા પતિ આદિલ પર લગાવ્યા ગંભીર આક્ષેપો

મુંબઈ: બોલિવૂડની અલ્ટીમેટ એન્ટરટેઈનર અને અવારનવાર વિવાદોમાં રહેતી 'ડ્રામા ક્વીન' રાખી સાવંતે પોતાના અંગત જીવનના એવા કડવા સત્યો અને પીડાની નકાબ ઉઠાવી છે, જેને સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. વ્યાવસાયિક મોરચે રિયાલિટી શો 'બિગ બોસ' સહિત આખા દેશનું મનોરંજન કરનારી રાખીએ તાજેતરમાં આપેલા એક દિલધડક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે ગ્લેમરની દુનિયામાં નામ કમાયા પછી પણ તે અંગત જીવનમાં સાચા પ્રેમ માટે ઝુરી રહી છે. રાખીએ અત્યંત ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, તેના બીજા પતિ આદિલ ખાન દુર્રાનીએ માત્ર તેની ૩ કરોડ રૂપિયાની સંપત્તિ હડપ કરવા માટે તેની હત્યા કરવાનો કારસો ઘડ્યો હતો અને તેને માનસિક ટોર્ચર કરવાની સાથે ધીમું ઝેર (સ્લો પોઇઝન) આપવાનો પણ પ્રયાસ કર્યો હતો જેથી તે આત્મહત્યા કરી લે.
ડિજિટલ પ્લેટફોર્મ "હોટરફ્લાય" ને આપેલા સનસનાટીભર્યા ઇન્ટરવ્યુમાં રાખીએ રડતી આંખે જણાવ્યું હતું કે, કોઈ પણ પુરુષ તેને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નથી કારણ કે તે એકદમ સ્પષ્ટવક્તા છે અને પોતાનું ઘર ચલાવવા માટે જાતે મહેનત કરે છે. તેણે તાજેતરમાં જ એક પસંદગીના પુરુષને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું, પરંતુ તેણે એવું કહીને નકારી દીધી કે 'તારામાં પત્ની જેવા કોઈ લક્ષણો નથી.' રાખીએ વર્ષ ૨૦૧૯ માં રિતેશ સિંહ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા જે ૨૦૨૨ માં તૂટી ગયા હતા, અને ત્યારબાદ તે જ વર્ષે ઉદ્યોગપતિ આદિલ દુર્રાની સાથે કરેલા બીજા લગ્ન પણ ગણતરીના મહિનાઓમાં કોર્ટના દરવાજે પહોંચ્યા હતા. રાખીએ અફસોસ વ્યક્ત કર્યો કે તેને જીવનમાં હંમેશા એવા જ પુરુષો મળ્યા જેમણે તેનો માત્ર દુરુપયોગ કર્યો છે.
આ સિવાય રાખી સાવંતે પોતાની માતાના દબાણ હેઠળ લીધેલા ખોટા નિર્ણયો અને ભવિષ્યમાં માતા બનવાની પોતાની તીવ્ર ઈચ્છા વિશે પણ મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે માતાના કહેવાથી તેણે લાખો રૂપિયા ખર્ચીને અને અસહ્ય પીડા આપતા અસંખ્ય ઇન્જેક્શનો સહન કરીને પોતાના ઇંડા (એગ્સ) ફ્રીઝ કરાવ્યા છે, જેથી તે ક્યારેક સંતાન સુખ પ્રાપ્ત કરી શકે. જોકે, વર્તમાન સમયમાં કોઈ યોગ્ય જીવનસાથી ન મળવાને કારણે તે અંદરથી તૂટી ગઈ છે. મનોરંજન જગતની આ સુપરસ્ટાર ભલે કેમેરા સામે હસતી અને લોકોને હસાવતી જોવા મળતી હોય, પરંતુ તેની આ લેટેસ્ટ કેફિયતે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના ઝાકઝમાળ પાછળ છુપાયેલા અંધકાર અને એકલતાને ફરી એકવાર સપાટી પર લાવી દીધી છે.
