પ્રેક્ષકો માટે હાસ્યનો ડબલ ડોઝ: 'ધમાલ 4' ની સત્તાવાર રિલીઝ તારીખ જાહેર, અજય દેવગણે શેર કર્યું ધમાકેદાર પોસ્ટર
બોક્સ ઓફિસ પર ટક્કર ટાળવા અનેક ફેરફારો બાદ આખરે તારીખ નક્કી: ૧૨ જૂને ધમાકેદાર ટ્રેલર લોન્ચ થશે, ૧૦ જુલાઈએ સિનેમાઘરોમાં જામશે કૉમેડીનો રંગ

મુંબઈ, : બોલિવૂડની સૌથી લોકપ્રિય અને દર્શકોને હસાવી-હસાવીને લોથપોથ કરી દેનારી કૉમેડી ફ્રેન્ચાઇઝી 'ધમાલ' ફરી એકવાર મોટા પડદા પર ધમાકો કરવા માટે તૈયાર છે. સુપરસ્ટાર અજય દેવગણે સોશિયલ મીડિયા પર ચાહકો માટે 'ધમાલ 4' અંગેની અત્યંત રોમાંચક વિગતો શેર કરી છે. અજયે ગોલ્ડ થીમ આધારિત ફિલ્મના એક આકર્ષક પોસ્ટરનું અનાવરણ કરવાની સાથે સાથે ફિલ્મનું ટ્રેલર અને તેની ફાઇનલ રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે.
અજય દેવગણે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ પોસ્ટર શેર કરીને કેપ્શનમાં મજેદાર અંદાજમાં લખ્યું છે કે, "એક વાત તો પક્કી હૈ, નિયત ઇન્કી કચ્છી હૈ. ચાર ગણું હાસ્ય અને અણનમ ધમાલ માટે તૈયાર થઈ જાઓ." આ જાહેરાત મુજબ, ફિલ્મના ક્રેઝી પાત્રોની ઝલક આપતું ટ્રેલર આગામી ૧૨ જૂને રિલીઝ થશે, જ્યારે આખી ફિલ્મ ૧૦ જુલાઈએ વિશ્વભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવશે.
રિલીઝ ડેટ પાછળની મોટી મથામણ:
'ધમાલ 4' ની રિલીઝ તારીખ નક્કી કરવા પાછળ નિર્માતાઓએ ભારે કસરત કરવી પડી છે. અહેવાલો અનુસાર, આ ફિલ્મ શરૂઆતમાં ૧૯ માર્ચે રિલીઝ થવાની હતી, પરંતુ રણવીર સિંહની એક્શન ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' અને સાઉથના સુપરસ્ટાર યશની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ટોક્સિક' સાથે બોક્સ ઓફિસ પર મોટી ટક્કર ટાળવા માટે તેની તારીખ લંબાવવામાં આવી હતી. ત્યારબાદ તારીખ ૧૨ જૂનથી ૩ જુલાઈ અને પછી ૧૭ જુલાઈ સુધી બદલાયા બાદ, આખરે હવે ૧૦ જુલાઈની તારીખ પર મહોર મારવામાં આવી છે.
જૂની ગેંગ સાથે નવા કલાકારોની એન્ટ્રી:
ઇન્દ્ર કુમાર દ્વારા દિગ્દર્શિત (જેમણે અગાઉના ત્રણેય ભાગોનું સફળ નિર્દેશન કર્યું છે) આ ફિલ્મમાં ફ્રેન્ચાઇઝીના ચાર સ્તંભ સમાન કલાકારો - અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી અને સંજય મિશ્રા ફરી એકવાર પોતાની અનોખી કૉમેડી ટાઈમિંગથી પ્રેક્ષકોને ઘેલા કરશે. આ વખતે વાર્તામાં અત્યાર સુધીની સૌથી મોટી 'ટ્રેઝર હન્ટ' (ખજાનાની શોધ) બતાવવામાં આવશે, જેમાં ગેરસમજ અને ગાંડપણનો ગ્રાફ ચાર ગણો વધી જશે.
આ ચોથા ભાગમાં મનોરંજનનો તડકો લગાવવા માટે એશા ગુપ્તા, સંજીદા શેખ, અંજલી આનંદ, ઉપેન્દ્ર લિમયે, વિજય પાટકર અને રવિ કિશન જેવા નવા ચહેરાઓનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. ગુલશન કુમાર અને ટી-સીરીઝ દ્વારા દેવગન ફિલ્મ્સના સહયોગથી પ્રસ્તુત આ મૂવી ભૂષણ કુમાર, આનંદ પંડિત અને કુમાર મંગત પાઠક જેવા અગ્રણી ફિલ્મમેકર્સ દ્વારા સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરવામાં આવી છે. લાંબા સમય બાદ બોલિવૂડમાં ક્લીન સ્લેપસ્ટિક કૉમેડીની વાપસી થવા જઈ રહી હોવાથી સિનેમાપ્રેમીઓમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે.
