રણવીર સિંહે ખરીદી ₹6.36 કરોડની ફેરારી: મુંબઈના રસ્તાઓ પર સુપરકાર સાથે ધૂમ મચાવી
બોક્સ ઓફિસ પર બેક-ટુ-બેક સફળતા મેળવ્યા બાદ બોલિવૂડ સુપરસ્ટારે પોતાના કાર કલેક્શનમાં બ્લેક કલરની ફેરારી 296 GTB લક્ઝરી સ્પોર્ટ્સ કાર ઉમેરી : સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

મુંબઈ: બોલિવૂડનો સૌથી એનર્જેટિક અભિનેતા રણવીર સિંહ હાલમાં તેની સુપરહિટ ફિલ્મોની સફળતા બાદ એક ખાસ કારણસર હેડલાઇન્સમાં છે. રણવીરે તાજેતરમાં જ અતિ વૈભવી અને મોંઘી સ્પોર્ટ્સ કાર 'ફેરારી 296 GTB' ખરીદી છે, જેની કિંમત આશરે ₹6.36 કરોડ હોવાનું કહેવાય છે. મુંબઈના રસ્તાઓ પર જ્યારે રણવીર પોતાની આ નવી કાળા રંગની ચળકતી સુપરકાર ચલાવી રહ્યો હતો, ત્યારે ટ્રાફિક વચ્ચે તેનો સ્પીડ પકડતો વીડિયો કેમેરામાં કેદ થયો હતો અને જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
આ લક્ઝરી કારની એન્ટ્રી એવા સમયે થઈ છે જ્યારે રણવીર તાજેતરમાં જ ફિલ્મ 'ડોન 3' ના વિવાદને કારણે ચર્ચામાં રહ્યો હતો. આ પ્રોજેક્ટમાંથી પાછા હટવાના કારણે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ દ્વારા તેમની સામે અસહકારનો નિર્દેશ જારી કરવામાં આવ્યો હતો, જે બાદમાં પાછો ખેંચી લેવાયો હતો. જો કે, આ વિવાદોને પાછળ છોડીને રણવીર સિંહ અત્યારે પોતાની નવી રાઇડનો આનંદ માણી રહ્યો છે, જે તેના ફેન્સ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, રણવીર સિંહ તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ "ધુરંધર: ધ રીવેન્જ" ની ભવ્ય બોક્સ ઓફિસ સફળતાનો સ્વાદ ચાખી રહ્યો છે. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મના બંને ભાગે સિનેમાઘરોમાં જોરદાર કમાણી કરી છે. આ જબરદસ્ત સફળતા બાદ હવે રણવીર સિંહ આગામી સમયમાં જય મહેતાના નિર્દેશનમાં બનનારી ફિલ્મ "પ્રલય" માં નજર આવી શકે છે, જેની સત્તાવાર જાહેરાતની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
