<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 18th June 2026

પડદા પર ફરી ગર્જશે સની દેઓલ: ‘બટવારા ૧૯૪૭’ નું ધમાકેદાર ટીઝર રિલીઝ, પ્રીતિ ઝિન્ટાના પાવરફુલ કમબેક અને રહેમાનના સંગીતે રાયા રૂવાડાં ઊભા કર્યા!

ભાગલાની દર્દનાક કહાની પર આમિર ખાનના પ્રોડક્શનમાં બની રહી છે બ્લોકબસ્ટર ફિલ્મ; આગામી ૧૪ ઓગસ્ટે બોક્સ ઓફિસ પર મચશે ખળભળાટ, ઇમરાન હાશ્મીની ફિલ્મ સાથે થશે મહાટક્કર.

મુંબઈ: તા.૧૮: બોલિવૂડના એક્શન કિંગ સની દેઓલ જ્યારે પણ દેશભક્તિ અને ઈતિહાસના પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ લઈને આવે છે, ત્યારે થિયેટરોમાં સુનામી આવી જાય છે. દિગ્ગજ ડાયરેક્ટર રાજકુમાર સંતોષીની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘બટવારા ૧૯૪૭’ નું પાવરફુલ ટીઝર આજે સત્તાવાર રીતે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ૧૯૪૭માં ભારતના ભાગલાના દર્દ અને દેશભક્તિના જઝબા પર બનેલી આ ફિલ્મનું ટીઝર એટલું પ્રભાવશાળી છે કે સોશિયલ મીડિયા પર ફેન્સ અત્યારથી જ આને ‘શ્યોર શોટ બ્લોકબસ્ટર’ ગણાવી રહ્યા છે.

દિગ્ગજ કલાકારોની ફોજ અને પ્રીતિ ઝિન્ટાનું શાનદાર કમબેક

આમિર ખાન પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ સુપ્રસિદ્ધ લેખક અસગર વજાહતના લોકપ્રિય નાટક "જીસ લાહોર નઈ વેખ્યા ઓ જમ્યા એ નઈ" પર આધારિત છે. ટીઝરમાં સની દેઓલ હંમેશની જેમ પોતાની કમાન્ડિંગ સ્ક્રીન પ્રેઝન્સથી લાઈમલાઈટ ચોરી જાય છે. જોકે, સૌથી મોટું સરપ્રાઈઝ ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટાનું છે, જે આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ધમાકેદાર કમબેક કરી રહી છે. સની અને પ્રીતિની જોડી ઉપરાંત શબાના આઝમી, અલી ફઝલ અને કરણ દેઓલ પણ ટીઝરમાં દમદાર લુકમાં નજર આવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ‘ગુસબમ્પ્સ’ નો માહોલ, સંવાદો વાયરલ

ટીઝર રિલીઝ થતાંની સાથે જ નેટીઝન્સે તેના પર પ્રતિક્રિયાઓનો વરસાદ શરૂ કરી દીધો છે. ખાસ કરીને ઓસ્કાર વિજેતા એ.આર. રહેમાન (A.R. Rahman) નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ફિલ્મની સિનેમેટોગ્રાફી દર્શકોના રૂવાડાં ઊભા કરી દે તેવી છે. ફિલ્મનો એક ડાયલોગ — "પંગા લેના હૈ: ઇરાદા તો નહીં હૈ લેકિન ઐતેરાઝ ભી નહીં હૈ" — સોશિયલ મીડિયા પર અત્યારથી જ ટ્રેન્ડ થઈ રહ્યો છે. આ સિવાય ટીઝરમાં બેકગ્રાઉન્ડમાં સંભળાતો આમિર ખાનનો ગંભીર અવાજ વાર્તાની તીવ્રતા અને દુઃખદ વાતાવરણને વધુ પ્રભાવશાળી બનાવે છે.

સ્વતંત્રતા દિવસે થશે બોક્સ ઓફિસ પર મહાક્લેશ

‘બટવારા ૧૯૪૭’ આગામી ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ સ્વતંત્રતા દિવસના વીકેન્ડ પર સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે પૂરી રીતે તૈયાર છે. જોકે, સની દેઓલ માટે આ બોક્સ ઓફિસ સફર એકલી નહીં હોય. આ જ દિવસે બોલિવૂડના કિંગ ઓફ રોમાન્સ ઇમરાન હાશ્મીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘આવારાપન ૨’ પણ થિયેટરોમાં રિલીઝ થવાની છે. હવે એ જોવું અત્યંત રસપ્રદ રહેશે કે દેશભક્તિના આ માહોલમાં બોક્સ ઓફિસ પર કઈ ફિલ્મ બાજી મારે છે, પરંતુ અત્યારે તો ‘બટવારા ૧૯૪૭’ ના ટીઝરે દર્શકોમાં ફિલ્મ જોવાની ઉત્સુકતા સાતમા આસમાને પહોંચાડી દીધી છે.

(4:36 PM IST)