ફિલ્મ 'પ્રહાર'નું ટીઝર રિલીઝ:રાજકુમાર રાવ ઉજ્જવલ નિકમની દમદાર ભૂમિકામાં
26/11 હુમલાના આરોપી કસાબને ફાંસી અપાવનાર પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમની બાયોપિક પ્રહારનું ટીઝર રિલીઝ થઈ ગયું

મુંબઈ :બોલિવૂડના વર્સેટાઈલ એક્ટર રાજકુમાર રાવ ફરી એકવાર પોતાની દમદાર એક્ટિંગથી પ્રેક્ષકોને ચોંકાવવા તૈયાર છે. 26/11 મુંબઈ આતંકી હુમલાના મુખ્ય આરોપી અને એકમાત્ર જીવતો પકડાયેલો આતંકવાદી અજમલ કસાબને ફાંસી સુધી પહોંચાડનાર પ્રખ્યાત સરકારી વકીલ ઉજ્જવલ નિકમની બાયોપિક પ્રહારનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.
આ ફિલ્મમાં રાજકુમાર રાવે પબ્લિક પ્રોસિક્યુટર ઉજ્જવલ નિકમનું પાત્ર ભજવ્યું છે. આશરે 2 મિનિટના આ ટીઝરમાં રાજકુમાર રાવનો લુક એટલો સચોટ અને ગંભીર છે કે પહેલી નજરે તમને એવું જ લાગે કે તમે અસલી ઉજ્જવલ નિકમને જ જોઈ રહ્યા છો. ટીઝરની શરૂઆત કોર્ટરૂમના દ્રશ્યોથી થાય છે, જેમાં કસાબને કાયદાકીય રીતે ફાંસી અપાવવા માટે વકીલ નિકમની આકરી લડાઈને દર્શાવવામાં આવી છે.
ટીઝરમાં 26/11ની એ કાળી રાત અને મુંબઈમાં થયેલા હુમલાના હૃદયદ્રાવક દ્રશ્યો પણ જોવા મળે છે. ફિલ્મમાં રાજકુમાર રાવ ઉપરાંત વામિકા ગબ્બી, જયદીપ અહલાવત અને સિકંદર ખેરે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે, જેમના રોલ પણ ઘણાં જ દમદાર છે.
આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત છે. રાજકુમાર રાવની આ મોસ્ટ અવેટેડ ફિલ્મ પ્રહાર આગામી 7 ઓગસ્ટ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ઓગસ્ટ મહિનામાં બોક્સ ઓફિસ પર અનેક મોટી ફિલ્મો જેમકે 26 ઓગસ્ટે ટોક્સિક, 28 ઓગસ્ટે શ્રદ્ધા કપૂરની ઇથા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની વન રજૂ થઈ રહી છે. આ વચ્ચે રાજકુમાર રાવની આ ફિલ્મ કેવી સફળતા મેળવે છે તે જોવું રહ્યું.
