ઓસ્કાર સુધી પહોંચેલી આમિર ખાનની 'લગાન'ના ૨૫ વર્ષ પૂરા: ઈન્ડિયા પોસ્ટે ખાસ સ્મારક કવર અને સ્પેશિયલ કેન્સલેશન સ્ટેમ્પ જાહેર કરી આપ્યું સર્વોચ્ચ સન્માન
આશુતોષ ગોવારિકરના નિર્દેશનમાં બનેલી આઇકોનિક ફિલ્મે ભારતીય સિનેમાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ અંકિત કર્યું; આમિર ખાન પ્રોડક્શન્સની રજત જયંતી સફરની શાનદાર ઉજવણી

મુંબઈ : ભારતીય સિનેમાની સૌથી ક્લાસિક અને સીમાચિહ્નરૂપ ફિલ્મોમાંની એક એવી 'લગાન' (Lagaan) ને રિલીઝ થયે આજે પૂરા ૨૫ વર્ષ થઈ ગયા છે. આ ખાસ અને ઐતિહાસિક અવસરને યાદગાર બનાવવા માટે ભારત સરકારના ટપાલ વિભાગ (India Post) દ્વારા અભિનેતા આમિર ખાનની આ માસ્ટરપીસ ફિલ્મને એક અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ઇન્ડિયા પોસ્ટે ફિલ્મની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે એક ખાસ સ્મારક કવર (Commemorative Cover) અને સ્પેશિયલ કેન્સલેશન (વિશેષ રદ કરવા માટેની મહોર) રજૂ કરીને સિનેમા જગતમાં તેના અતુલ્ય પ્રદાનનું સન્માન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આમિર ખાન પ્રોડક્શન્સે ૨૫ વર્ષ પહેલાં આ જ ફિલ્મથી ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પોતાની શાનદાર સફર શરૂ કરી હતી.
ઓસ્કાર નોમિનેશન મેળવનારી છેલ્લી ભારતીય ફિલ્મ
આશુતોષ ગોવારિકર દ્વારા દિગ્દર્શિત 'લગાન' માત્ર ભારત જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે દેશભક્તિ, એકતા અને ક્રિકેટના રોમાંચનો અદભુત સંદેશ આપનારી ફિલ્મ છે. આ ફિલ્મે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં ભારતનું ગૌરવ વધાર્યું હતું અને તે એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર) માં 'શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ' ની કેટેગરીમાં નોમિનેટ થનારી ત્રીજી અને આજ દિન સુધીની છેલ્લી ભારતીય ફિલ્મ છે. આ સિવાય, ભારતમાં ૪૯મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં 'શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ' સહિત કુલ ૮ નેશનલ એવોર્ડ્સ જીતીને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી દીધો હતો.
એ. આર. રહેમાનનું સંગીત અને શાનદાર સ્ટાર કાસ્ટ
આ ફિલ્મની સફળતામાં તેની મજબૂત સ્ટાર કાસ્ટ અને સંગીતનો બહુ મોટો હાથ હતો. ફિલ્મમાં આમિર ખાન, ગ્રેસી સિંહ, બ્રિટિશ કલાકારો રશેલ શેલી અને પોલ બ્લેકથોર્ન સહિત સુહાસિની મુલે , કુલભૂષણ ખરબંદા, રઘુવીર યાદવ અને યશપાલ શર્મા જેવા દિગ્ગજ કલાકારોએ પોતાના અભિનયથી પ્રાણ ફૂંક્યા હતા. આ સાથે જ ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાન દ્વારા કમ્પોઝ કરાયેલા ગીતો જેવા કે "ઘનન ઘનન," "મિતવા," "રાધા કૈસે ના જલે," અને "ઓ રે છોરી" આજે ૨૫ વર્ષ પછી પણ સદાબહાર છે અને લોકોના હૃદયમાં ગુંજી રહ્યા છે.
