<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 4th July 2026

બોલિવૂડમાં ફરી વાગશે અક્ષય-પ્રિયદર્શનની જોડીનો ડંકો: સુપરહિટ ડાયરેક્ટર સાથે ખિલાડી કુમાર લાવશે નવી કોમેડી ફિલ્મ 'વિક્ડ સની'!

'ભૂત બાંગ્લા' અને 'વેલકમ ટુ ધ જંગલ'ની સફળતા બાદ અક્ષય કુમાર માટે ૨૦૨૬નું વર્ષ સાબિત થયું ધમાકેદાર; 'મુઝસે શાદી કરોગી'ના આઇકોનિક કેરેક્ટરના નામ પરથી રાખવામાં આવ્યું નવી ફિલ્મનું ટાઇટલ

મુંબઈ : બોલિવૂડના 'ખિલાડી' એટલે કે અક્ષય કુમારના ફેન્સ માટે એક ખુબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. વર્ષ ૨૦૨૬ અક્ષય કુમારની સિનેમેટિક સફર માટે અત્યાર સુધી શાનદાર સાબિત થયું છે, કારણ કે તેમની બેક-ટુ-બેક કોમેડી ફિલ્મો 'ભૂત બાંગ્લા' અને 'વેલકમ ટુ ધ જંગલ' બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ ચૂકી છે. ખાસ કરીને 'ભૂત બાંગ્લા' ફિલ્મ દ્વારા અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શનની ઓલ-ટાઇમ ફેવરિટ જોડીએ લાંબા સમય બાદ મોટા પડદા પર ધમાકેદાર પુનરાગમન કર્યું છે. હવે આ સુપરહિટ જોડીના ચાહકો માટે ખુશખબર એ છે કે તેઓ ફરી એકવાર પોતાની નવમી ફિલ્મ માટે સાથે આવી રહ્યા છે.

મીડિયા અહેવાલો અનુસાર, અક્ષય કુમાર અને પ્રિયદર્શનની આ આગામી ફિલ્મ પણ પ્યોર કોમેડી જૉનરની હશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ફરી એકવાર એવા અનોખા અને મનોરંજક પાત્રમાં જોવા મળશે જે દર્શકોને પેટ પકડીને હસવા માટે મજબૂર કરી દેશે.

શું છે 'વિક્ડ સની' ટાઇટલ પાછળનું કનેક્શન?

ફિલ્મના ટાઇટલને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. આ નવી ફિલ્મનું સત્તાવાર નામ 'વિક્ડ સની' (Wicked Sunny) રાખવામાં આવ્યું છે. આ ટાઇટલ સાંભળતા જ સિનેમાપ્રેમીઓની જૂની યાદો તાજી થઈ ગઈ છે. વર્ષ ૨૦૦૪માં આવેલી અક્ષય કુમાર, સલમાન ખાન અને પ્રિયંકા ચોપરાની બ્લોકબસ્ટર ફિલ્મ 'મુઝસે શાદી કરોગી'માં અક્ષય કુમારના નેગેટિવ છતાં મજેદાર પાત્રનું નામ 'સની' હતું, અને તેની એન્ટ્રી વખતે વાગતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક 'વિક્ડ સની' આજે પણ લોકપ્રિય છે. નિર્માતાઓનું માનવું છે કે આ નામ નવી ફિલ્મની વાર્તા અને અક્ષયના પાત્રને ૧૦૦ ટકા શૂટ કરે છે.

સસ્પેન્સ-થ્રિલર 'હૈવન' બાદ આવશે આ કોમેડીનો ડોઝ

અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી બોલિવૂડના ઇતિહાસની સૌથી સફળ અભિનેતા-દિગ્દર્શક જોડીઓમાંથી એક છે. તેમની આગામી આઠમી ફિલ્મ 'હૈવન' (Heaven) આગામી ૧૧ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સંપૂર્ણ તૈયાર છે. આ એક હાઈ-વોલ્ટેજ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ છે, જે પ્રિયદર્શનની મલયાલમ સુપરહિટ ફિલ્મ 'ઓપ્પમ'ની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર એક ખતરનાક નેગેટિવ રોલમાં દેખાશે, જ્યારે સૈફ અલી ખાન એક અંધ વ્યક્તિની પડકારજનક ભૂમિકા ભજવી રહ્યો છે.

'ખટ્ટા મીઠા', 'હેરા ફેરી' અને 'ભૂલ ભુલૈયા' જેવી ક્લાસિક ફિલ્મો આપનારી આ જોડી 'હૈવન'માં દર્શકોને ચોંકાવ્યા બાદ, 'વિક્ડ સની' દ્વારા ફરી એકવાર થિયેટરોમાં હાસ્યનું ઘોડાપૂર લાવવા માટે સજ્જ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મમાં અક્ષયનો કોમિક અંદાજ તેમની અગાઉની તમામ ફિલ્મો કરતાં તદ્દન અલગ અને અદભુત હશે.

(10:50 PM IST)