અરિજિત સિંહ પ્લેબેક સિંગિંગમાં વાપસી નહીં કરે: 'આવારાપન 2' ના નવ રિલીઝ ગીત બાદ મચેલા ઘમસાણ વચ્ચે ગાયકની ટીમે કરી સ્થિતિ સ્પષ્ટ!
નિવૃત્તિની જાહેરાત છતાં નવું ગીત આવતા ચાહકો ચોંક્યા: મેનેજમેન્ટે કહ્યું- "અરિજિતે નિવૃત્તિ પહેલાં સ્વીકારેલા જૂના પ્રોજેક્ટ્સ જ પૂરા કરી રહ્યો છે, કમબેકનો કોઈ પ્લાન નથી"

મુંબઈ : ભારતીય સંગીત જગતના સૂરતાજ અને પ્રખ્યાત ગાયક અરિજિત સિંહે આ વર્ષના પ્રારંભમાં પ્લેબેક સિંગિંગમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરીને કરોડો ચાહકોને આંચકો આપ્યો હતો. જોકે, નિવૃત્તિ પછી પણ તેમના નવા ગીતો બેક-ટુ-બેક રિલીઝ થઈ રહ્યા હોવાથી મનોરંજન જગતમાં એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે અરિજિતે પોતાનો નિર્ણય બદલીને વાપસી કરી લીધી છે. તાજેતરમાં ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ 'આવારાપન 2' નું નવું ગીત "યે આવારાપન" રિલીઝ થતાં જ ચાહકોમાં ઉત્સુકતા બેવડાઈ ગઈ હતી.
પરંતુ હવે આ અફવાઓ પર વિરામ મૂકતા અરિજિત સિંહની ટીમે 'ધ પ્રિન્ટ' ને આપેલા નિવેદનમાં સ્પષ્ટતા કરી છે કે ગાયક પ્લેબેક સિંગિંગમાં કમબેક કરી રહ્યો નથી.
"આ માત્ર જૂની કમિટમેન્ટ્સ છે" - મેનેજરે આપી સ્પષ્ટતા
ગાયકના મેનેજરે આ અંગે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, "અરિજિતે નિવૃત્તિની જાહેરાત કરી તે પહેલાં જ જે પ્રોજેક્ટ્સ સાઇન કર્યા હતા, તે માત્ર તે જૂની પ્રતિબદ્ધતાઓને જ પૂરી કરી રહ્યો છે. તે કોઈ પણ નવા પ્લેબેક સોંગ્સ સ્વીકારી રહ્યો નથી. તેથી આ ગીતો તેની વાપસીનો સંકેત નથી પરંતુ તેના જૂના વાયદા પૂરા કરવાની એક પ્રક્રિયા છે."
'આવારાપન 2' ના સંગીતને મળ્યો મિશ્ર પ્રતિસાદ
દરમિયાન, 'આવારાપન' ના પ્રથમ ભાગના આઇકોનિક મ્યુઝિકને કારણે સીક્વલના સંગીત પાસેથી શ્રોતાઓને ભારે અપેક્ષાઓ હતી, પરંતુ અત્યાર સુધી રિલીઝ થયેલા બંને ગીતોને નેટીઝન્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઇમરાન હાશ્મી અભિનીત ફિલ્મ 'આવારાપન 2' આગામી ૧૪ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે, જ્યાં બોક્સ ઓફિસ પર તેની સીધી ટક્કર સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ 'બટવારા 1947' સાથે થશે.
