<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 25th July 2026

થિયેટરોમાં સુપરસ્ટાર વિજયનો જાદુ ચાલ્યો: છેલ્લી ફિલ્મ 'જન નાયકન' એ બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, ૨ જ દિવસમાં ૧૦૦ કરોડ પાર!

રાજકારણમાં પ્રવેશતા પહેલા સાઉથના 'દલાપતિ'નો બોક્સ ઓફિસ પર દબદબો: વર્લ્ડવાઇડ ૧૧૨ કરોડથી વધુનું કલેક્શન, તમિલ ઉપરાંત હિંદી-તેલુગુમાં પણ ધૂમ કમાણી

મુંબઈ : તમિલ સિનેમાના દમદાર સુપરસ્ટાર અને હવે સક્રિય રાજનેતા બનેલા વિજયની કરિયરની આખરી ફિલ્મ 'જન નાયકન' થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. ૨૩ જુલાઈએ રિલીઝ થયેલી આ માસ એક્શન ડ્રામા ફિલ્મે પહેલા જ દિવસે ૪૨.૭ કરોડ રૂપિયાની તોતિંગ ઓપનિંગ મેળવીને બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત કરી હતી. શુક્રવારે વર્કિંગ ડે હોવા છતાં ફિલ્મે પોતાની પકડ મજબૂત રાખી છે અને માત્ર બે જ દિવસની અંદર ભારતમાં ૬૩.૮૫ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી લીધું છે.

વિશ્વભરના બોક્સ ઓફિસ રિપોર્ટની વાત કરીએ તો, બીજા દિવસે આંતરરાષ્ટ્રીય સ્તરે ૧૦ કરોડ રૂપિયા ઉમેરાતાં ફિલ્મનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન માત્ર ૪૮ કલાકમાં ૧૧૨.૫૦ કરોડ રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચી ગયું છે. શુક્રવારે થિયેટરોમાં દર્શકોની સરેરાશ હાજરી ૪૪.૩૩% રહી હતી, જેમાં નાઇટ શૉમાં સૌથી વધુ ૬૦%થી વધુ ઓક્યુપન્સી જોવા મળી હતી. ભાષાવાર કલેક્શનમાં તમિલમાં ૧૭.૯૫ કરોડ, હિંદીમાં ૧.૮૫ કરોડ અને તેલુગુમાં ૧.૩૫ કરોડ રૂપિયાનું કલેક્શન નોંધાયું છે.

ડિરેક્ટર એચ. વિનોદના માર્ગદર્શન હેઠળ બનેલી આ ફિલ્મ સુપરસ્ટાર વિજયની ૩૦ વર્ષની ઝળહળતી સિનેમેટિક સફરની છેલ્લી ફિલ્મ છે. પોતાના ૩ દાયકાના કરિયરમાં ૬૦થી વધુ સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ હવે વિજય પૂર્ણ સમય માટે રાજકારણમાં સક્રિય થવા જઈ રહ્યા છે. ફિલ્મમાં અનિરુદ્ધ રવિચંદરના દમદાર મ્યુઝિક સાથે પૂજા હેગડે, બોબી દેઓલ, મમિતા બૈજુ, પ્રિયામણી, ગૌતમ વાસુદેવ મેનન અને પ્રકાશ રાજ જેવા દિગ્ગજ કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે. વીકેન્ડ દરમિયાન આ ફિલ્મ વધુ નવા રેકોર્ડ સર્જશે તેવી પૂરી શક્યતા છે.

(10:06 PM IST)