અનપેક્ષિત મુલાકાતે મુસાફરીનો આનંદ બેવડાવ્યો: એરપોર્ટ અને ફ્લાઇટમાં રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સેહવાગને મળ્યા અનુપમ ખેર, દિલ ખોલીને કર્યા વખાણ
મહાનતા પ્રતિભાની સાથે સાથે ઉત્કૃષ્ટ ચરિત્ર વિશે પણ છે: ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ ખેલાડીઓ સાથેની તસવીરો શેર કરી અભિનેતાએ આપી ભાવુક પ્રતિક્રિયા

મુંબઈ : પીઢ બોલીવુડ અભિનેતા અનુપમ ખેરને તેમની તાજેતરની મુસાફરી દરમિયાન એક અત્યંત યાદગાર અને સુખદ અનુભવ થયો હતો, જ્યારે તેઓ ભારતીય ક્રિકેટ ટીમના બે પૂર્વ દિગ્ગજ બેટ્સમેનો - રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સેહવાગને અણધારી રીતે મળી ગયા હતા. આ અચાનક થયેલી મુલાકાત બાદ ખુશખુશાલ થયેલા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર બંને ક્રિકેટરો સાથેની તસવીરો અને એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરીને તેમના મુક્તકંઠે વખાણ કર્યા છે.
અનુપમ ખેરે પોતાની પોસ્ટમાં ખુલાસો કર્યો હતો કે, થોડા દિવસો પહેલાં તેઓ મુંબઈ એરપોર્ટ પર ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય કોચ અને કેપ્ટન રાહુલ દ્રવિડને મળ્યા હતા અને ત્યારબાદ ફ્લાઇટ દરમિયાન તેમને વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગને મળવાનો આનંદ સાંપડ્યો હતો. તેમણે લખ્યું કે, "ક્યારેક મુસાફરીનો શ્રેષ્ઠ ભાગ મંજિલ નથી હોતી, પરંતુ રસ્તામાં અણધારી રીતે મળતા લોકો હોય છે! બંને દિગ્ગજોને મળીને ઘણો આનંદ થયો, જેમણે પોતાની અનોખી શૈલીથી લાખો ભારતીયોને પ્રેરણા આપી છે."
દ્રવિડ અને સેહવાગના વ્યક્તિત્વ વિશે વાત કરતા ખેરે નોંધ્યું કે, બંને ખેલાડીઓ રમત અને સ્વભાવ બંનેમાં એકબીજાથી સાવ અલગ છે, છતાં બંનેએ દેશને અગણિત ગૌરવપૂર્ણ ક્ષણો આપી છે. રાહુલ દ્રવિડની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે દ્રવિડે પોતાની "શાંત શક્તિ, શિસ્ત અને અતૂટ પ્રતિબદ્ધતા" થી દિલ જીત્યા છે, જ્યારે વીરેન્દ્ર સેહવાગે તેના "નિર્ભય વલણ, સરળ પ્રતિભા અને મનમોહક સ્મિત" થી દેશવાસીઓને મંત્રમુગ્ધ કર્યા છે.
પોસ્ટના અંતે અનુપમ ખેરે ઉમેર્યું કે, "જે લોકો શ્રેષ્ઠતાને પણ સરળ બનાવી દે છે તેવા લોકોની મેં હંમેશા પ્રશંસા કરી છે. રાહુલ અને વીરુ બંનેએ તે પોતાની અનોખી શૈલીમાં કરી બતાવ્યું છે. અમને મહાન યાદો, પ્રેરણા આપવા અને એ યાદ અપાવવા બદલ આભાર કે મહાનતા માત્ર પ્રતિભાથી નથી આવતી પણ તે ચરિત્ર પર નિર્ભર કરે છે. જય હિંદ!" સોશિયલ મીડિયા પર ફેન્સ આ બોલીવુડ અને ક્રિકેટના મિલનને ખૂબ પસંદ કરી રહ્યા છે.
