<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 7th August 2026

ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાના છૂટાછેડા પર વાગ્યો આખરી ઠપ્પો: ઇન્સ્ટાગ્રામ પરથી પતિની સરનેમ હટાવવા અભિનેત્રીએ સીધો મેટા (Meta) નો સંપર્ક કર્યો

મુંબઈ : ‘અનુપમા’ ફેમ અને ‘બિગ બોસ ૧૯’ ના વિજેતા ગૌરવ ખન્ના તેમજ ટીવી અભિનેત્રી આકાંક્ષા ચમોલા વચ્ચેના લગ્નજીવનના અંતની અફવાઓ પર હવે આખરે સત્તાવાર મહોર મારી દેવાઈ છે. તાજેતરમાં રિયાલિટી શો ‘લોકઅપ ૨’ માંથી બહાર આવ્યા બાદ આકાંક્ષા ચમોલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા (Meta) ને પત્ર લખીને પોતાના પ્રોફાઇલ નામમાંથી પતિ ગૌરવ ખન્નાની અટક (સરનેમ) હટાવવા માટે સત્તાવાર વિનંતી કરી છે, જેણે તેમના છૂટાછેડાના સમાચારની પુષ્ટિ કરી દીધી છે.

 

‘લોકઅપ ૨’ ના પહેલા જ એપિસોડમાં આકાંક્ષાએ ખુલાસો કર્યો હતો કે તે અને ગૌરવ લીગલી અલગ થઈ રહ્યા છે. શરૂઆતમાં ચાહકોને લાગ્યું કે આ માત્ર શોની ટીઆરપી (TRP) વધારવાનો સ્ટંટ છે, પરંતુ શોમાંથી બહાર આવ્યા બાદ આકાંક્ષાએ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે બંનેની લીગલ ટીમે છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી દીધી છે અને હવે માત્ર કાગળિયાની વિધિ જ બાકી રહી છે.

 

પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પતિનું નામ હટાવવા અંગે આકાંક્ષાએ જણાવ્યું હતું કે હાલમાં તેનું યુઝરનેમ @akankshagkhanna છે, જેને તે બદલીને ફરીથી પોતાનું મૂળ નામ "Akanksha Chamola" કરવા માંગે છે. પ્રોફાઇલ વેરિફાઇડ હોવાના કારણે અને બ્લુ ટિક નિયમોના લીધે યુઝરનેમ સીધું બદલી શકાતું ન હોવાથી તેણે ટેક કંપની મેટાની મદદ લેવી પડી છે.

 

ઉલ્લેખનીય છે કે, આકાંક્ષા અને ગૌરવની પહેલી મુલાકાત એક ઓડિશન દરમિયાન થઈ હતી. થોડા સમયના અફેર બાદ બંનેએ ૨૪ નવેમ્બર, ૨૦૧૬ ના રોજ કાનપુરમાં લગ્ન કર્યા હતા. લગ્નના ૮ વર્ષ બાદ હવે આ કપલે પોતાના રસ્તા અલગ કરી લીધા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો આકાંક્ષા ‘સંતોષી મા’ અને ‘યે હૈ આશિકી’ જેવા શોઝમાં જોવા મળી છે, જ્યારે ગૌરવ ખન્ના ‘અનુપમા’ થી લઈને ‘બિગ બોસ ૧૯’ નો વિનર રહી ચૂક્યો છે અને હાલમાં ‘ખતરોં કે ખિલાડી ૧૫’ માં જોવા મળી રહ્યો છે.

 

(6:10 PM IST)