અમૃતા ખાનવિલકર અને હિમાંશુ મલ્હોત્રાના અલગ થવાના અહેવાલો ખોટા : અભિનેત્રીએ જારી કરી અધિકૃત કાનૂની નોટિસ
૨૦૧૫માં લગ્નગ્રંથિથી જોડાયેલા આ દંપતીના અંગત જીવન વિશે અચાનક શરુ થઈ હતી ચર્ચાઓ

મુંબઈ: છેલ્લા કેટલાક સમયથી, અભિનેત્રી અમૃતા ખાનવિલકર અને તેના પતિ, અભિનેતા હિમાંશુ મલ્હોત્રાના વૈવાહિક જીવન અંગે સોશિયલ મીડિયા પર અનેક અહેવાલો સામે આવી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને લાંબા સમયથી અલગ રહી રહ્યા છે. હવે, અમૃતાએ આ અહેવાલો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. તેમની કાનૂની ટીમે અમૃતા વતી સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડ્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે, "કેટલાક ઓનલાઈન, સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર અભિનેત્રીના અંગત જીવન વિશેના સમાચાર અને નિવેદનો શેર કરવામાં આવી રહ્યા છે જે પાયાવિહોણા, બદનક્ષીકારક છે અને તેમની ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે. દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે, પરંતુ અમૃતા વિશે અફવાઓ, અપ્રમાણિત માહિતી, ખોટા આરોપો અથવા ભ્રામક માહિતી ફેલાવવા માટે આ સ્વતંત્રતાનો દુરુપયોગ સહન કરવામાં આવશે નહીં." અમૃતા અને હિમાંશુની પહેલી મુલાકાત 2004 માં ટીવી શો "ઇન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર્સ કી ખોજ" ના સેટ પર થઈ હતી. મુલાકાત પછી, તેઓ મિત્રો બન્યા, અને તેમનો સંબંધ ધીમે ધીમે પ્રેમમાં પરિણમ્યો. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, બંનેએ જાન્યુઆરી 2015 માં લગ્ન કર્યા.લગ્નના થોડા સમય પછી, અમૃતા અને હિમાંશુ ડાન્સ રિયાલિટી શો "નચ બલિયે 7" માં સાથે દેખાયા. તેઓએ શોમાં એક દંપતી તરીકે ભાગ લીધો હતો, અને તેમની જોડીને દર્શકો તરફથી વ્યાપક પ્રેમ મળ્યો હતો.હવે, તેમના લગ્નના ઘણા વર્ષો પછી, અમૃતાએ તેમના અંગત જીવન અંગે વિવિધ અહેવાલો સામે આવ્યા બાદ કાનૂની નિવેદન જારી કર્યું છે.
