'લોક અપ 2' માં પક્ષપાતી હોસ્ટના આરોપો પર ફરાહ ખાનનો પલટવાર: વિજેતા શ્રેયા કાલરા સાથેના 'ક્યુકી' કનેક્શન પર તોડ્યું મૌન
ફિનાલે પછી શ્રેયાના ઘરે પહોંચીને ફરાહે રેકોર્ડ પર પૂછ્યા આકરા સવાલો; શો પહેલાં ક્યારેય ન મળ્યા હોવાનો ખુલાસો, શ્રેયાએ કહ્યું- "તમે તો મારા પર સતત બૂમો જ પાડી છે"

મુંબઈ : બહુચર્ચિત રિયાલિટી શો 'લોક અપ 2' (Lock Upp 2) ની ટ્રોફી શ્રેયા કાલરાએ પોતાના નામે કર્યા બાદ શોની હોસ્ટ અને જાણીતી ફિલ્મ નિર્માતા ફરાહ ખાન પર દર્શકો દ્વારા "પક્ષપાતી હોસ્ટ" હોવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. હવે ફરાહ ખાને પોતાના તાજેતરના ફૂડ વ્લોગમાં શોની વિજેતા શ્રેયા કાલરાના ઘરે ખાસ મુલાકાત લઈને આ તમામ અફવાઓ અને ટ્રોલર્સનો સણસણતો જવાબ આપ્યો છે.
શ્રેયાના પરિવારની હાજરીમાં ફરાહે કેમેરા સામે સીધો સવાલ પૂછ્યો હતો કે, "હું રેકોર્ડ પર પૂછવા માંગુ છું - શ્રેયા, શું આપણે સ્ટેજ પર મળ્યા તે પહેલાં ક્યારેય એકબીજાને મળ્યા હતા?" જેના જવાબમાં શ્રેયાએ સ્પષ્ટ ના પાડી હતી. ફરાહે આગળ ખુલાસો કરતા કહ્યું કે, શોના બે અઠવાડિયા પછી જ્યારે લોકોએ મને પક્ષપાતી કહેવાનું શરૂ કર્યું ત્યારે મને ખબર પડી કે શ્રેયા જે 'ક્યુકી' (Qyuki) ડિજિટલ એજન્સી સાથે જોડાયેલી છે, મારી યુટ્યુબ ચેનલ પણ તે જ કંપની હેન્ડલ કરે છે. ફરાહે સ્પષ્ટ કર્યું કે ક્યુકી સાથે ૭૦ થી વધુ ક્રિએટર્સ જોડાયેલા છે અને તેમણે સાગર ગોખલેને ફોન કરીને પૂછ્યા પછી જ આ બાબતની જાણ થઈ હતી.
ફરાહે જ્યારે ટ્રોલર્સનો સામનો કરતા શ્રેયાને પૂછ્યું કે, "તો પછી હું તારા માટે પક્ષપાતી કેવી રીતે હોઈ શકું?", ત્યારે શ્રેયાએ રમૂજી અંદાજમાં જવાબ આપ્યો હતો કે, "તમે તો શો દરમિયાન મારા પર સતત બૂમો જ પાડી છે! હું સારું કામ કરતી ત્યારે પણ તમે મારા પર ગુસ્સે થતા હતા." આ સાંભળીને ત્યાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા. ફરાહે આ વિડીયો દ્વારા સ્પષ્ટ કર્યું કે શો દરમિયાન શ્રેયા સાથે તેનો કોઈ અંગત સંબંધ નહોતો અને તમામ નિર્ણયો સંપૂર્ણપણે નિષ્પક્ષ હતા.
ઉલ્લેખનીય છે કે 'લોક અપ 2' ના ભવ્ય ફિનાલેમાં શ્રેયા કાલરા વિજેતા બની હતી અને તેણે ટ્રોફી સાથે રૂ. ૧ કરોડની મોટી ઈનામી રકમ જીતી હતી. આ સ્પર્ધામાં લોકપ્રિય અભિનેત્રી શિવાંગી જોશી ફર્સ્ટ રનર-અપ રહી હતી, જ્યારે યોગેશ રાવતે સેકન્ડ રનર-અપનું સ્થાન મેળવ્યું હતું. ફરાહના આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા તમામ વિવાદો પર આખરે વિરામ મુકાયો છે.
