બોલિવૂડનું સૌથી પહેલું દેશભક્તિ ગીત: ૭૮ વર્ષ પહેલાં દિલીપ કુમારની ફિલ્મ ‘શહીદ’માં ગુંજ્યો હતો દેશપ્રેમનો સુર, આજે પણ રોમાંચ ખડો કરી દે છે!
ભારતની આઝાદીના એક વર્ષ બાદ રિલીઝ થયેલું ‘વતન કી રાહ મેં વતન કે નૌજવાન શહીદ હો’ ગીત આજે પણ દેશભક્તિનો પ્રચંડ જુસ્સો જગાવે છે; મોહમ્મદ રફીના અવાજમાં સજાયેલું આ ગીત આજે પણ અમર.

નવી દિલ્હી: તા.12 ૧૫મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસનો મહાપર્વ જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ સમગ્ર દેશમાં દેશભક્તિના માહોલ સાથે દેશપ્રેમના ગીતોની ગુંજ પણ સંભળાવા લાગી છે. જ્યારે પણ હિન્દી સિનેમામાં દેશભક્તિના ગીતોની વાત નીકળે છે, ત્યારે ૭૮ વર્ષ પહેલાં બનેલા સૌથી પ્રથમ આઇકોનિક દેશભક્તિ ગીતનો ઉલ્લેખ અચૂક થાય છે. બોલિવૂડના ટ્રેજેડી કિંગ ગણાતા દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર પર ફિલ્માવવામાં આવેલું આ ગીત આજે આટલા દાયકાઓ પછી પણ એટલું જ લોકપ્રિય છે.
ભારતની આઝાદીના ઠીક એક વર્ષ બાદ, વર્ષ ૧૯૪૮ માં રિલીઝ થયેલી દિલીપ કુમારની સુપરહિટ ફિલ્મ ‘શહીદ’ દ્વારા ભારતીય સિનેમામાં સાચા અર્થમાં દેશભક્તિની ફિલ્મોનો પાયો નંખાયો હતો. આ ફિલ્મનું ગીત “વતન કી રાહ મેં વતન કે નૌજવાન શહીદ હો” રિલીઝ થતાં જ સમગ્ર દેશમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. નવા સ્વતંત્ર થયેલા ભારતમાં આ ગીતે દરેક દેશવાસીઓના દિલમાં એક નવી ઊર્જા, આત્મગૌરવ અને દેશપ્રેમનો જુસ્સો ભરી દીધો હતો.
આ કલ્ટ ક્લાસિક ગીતને હિન્દી સિનેમાના મહાન ગાયક મોહમ્મદ રફી અને ખાન મસ્તાનાએ પોતાના બુલંદ અવાજથી અમર બનાવી દીધું હતું. આ ગીતનું સંગીત તે સમયના દિગ્ગજ સંગીતકાર ગુલામ હૈદરે તૈયાર કર્યું હતું, જ્યારે તેના હૃદયસ્પર્શી અને જોશ ભરપૂર શબ્દો પ્રખ્યાત ગીતકાર રાજા મહેંદી અલી ખાન દ્વારા લખવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, ૧૯૪૮ માં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી દિલીપ કુમારની ફિલ્મ ‘શહીદ’ તે વર્ષની સૌથી સફળ અને સુપરહિટ ફિલ્મોમાંની એક સાબિત થઈ હતી. આ ફિલ્મે માત્ર કમાણીના રેકોર્ડ નહોતા તોડ્યા પરંતુ તેના આ દેશભક્તિ ગીતે ભારતીય સિનેમાના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય પણ આલેખ્યો હતો, જેની ગુંજ આજે પણ દર ૧૫મી ઓગસ્ટે ગલીએ-ગલીએ સંભળાય છે.
