સની દેઓલ અને રાજકુમાર સંતોષીની જોડીનો થિયેટરોમાં ધમાકો: 'બટવારા 1947' ના ભાગલાની દર્દનાક વાર્તાએ દર્શકોને કર્યા ભાવુક!
લાહોરના બેકડ્રોપ પર બનેલી ફિલ્મે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ: દર્શકોએ સની દેઓલના પરફોર્મન્સને કરિયરનું શ્રેષ્ઠ ગણાવ્યું

મુંબઈ: તા.14: બોલિવૂડના દંગલ કિંગ સની દેઓલ અને દિગ્ગજ ડિરેક્ટર રાજકુમાર સંતોષીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'બટવારા 1947' આજે થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ મોટા પડદા પર દસ્તક આપનારી આ ફિલ્મે પ્રથમ દિવસે જ દર્શકોના દિલ જીતી લીધા છે. 1947ના ભારત-પાકિસ્તાન ભાગલા દરમિયાન લાહોરની પૃષ્ઠભૂમિ પર આધારિત આ વાર્તામાં ભય, વિસ્થાપન અને અનિશ્ચિતતામાં ફસાયેલા માનવીય સંબંધોની ગંભીર વ્યથાને આવરી લેવામાં આવી છે.
ફિલ્મમાં સની દેઓલે 'સિકંદર' નામના દમદાર પાત્રમાં જીવ રેડી દીધો છે, જ્યારે તેમની સાથે શબાના આઝમી 'માઈ' અને પ્રીતિ ઝિન્ટા 'હમીદા'ના યાદગાર રોલમાં નજરે પડે છે. ફિલ્મનો પહેલો ભાગ વાસ્તવિક પરિસ્થિતિઓથી પ્રેક્ષકોને ગંભીર વિચારોમાં ગરકાવ કરી દે છે, જ્યારે સેકન્ડ હાફમાં દરેક પાત્રના ડર અને અસુરક્ષાના કડવા સત્યો સામે આવતાં જ થિયેટરોમાં હાજર દર્શકો ભાવુક થઈ જાય છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર ફિલ્મ જોયા બાદ નેટિઝન્સ સની દેઓલના અભિનયના વખાણ કરતાં થાકતા નથી. એક ફેને પ્રતિક્રિયા આપતાં લખ્યું કે, "અમને લાગતું હતું કે 'ગદર' જ સની દેઓલની સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે, પરંતુ 'બટવારા 1947' દ્વારા તેમણે ફરી પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. ખાસ કરીને ફિલ્મમાં તેમનો ડાયલોગ - 'નફરત સરહદો બદલી શકે છે, પણ માનવતાને નહીં' - પ્રેક્ષકોના રૂંવાડા ઊભા કરી દે છે."
લાંબા સમય પછી મોટા પડદા પર કમબેક કરી રહેલી પ્રીતિ ઝિન્ટા અને શબાના આઝમીના યાદગાર અભિનયને પણ લોકોએ ખુલ્લા મનથી વધાવી લીધો છે. સ્વતંત્રતા દિવસના આ ખાસ વીકેન્ડ પર પરિવાર સાથે જોવા માટે ઉત્તમ એવી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર પણ જબરદસ્ત પ્રતિસાદ અને કમાણી મળવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.
