યશવર્ધન આહુજાનું બોલીવૂડ ડેબ્યુઃ હોરર કોમેડી ફિલ્મ ‘હીરો કી હીરોઇન'
એકતા કપુર, અમર બુટાલાની ફિલ્મના નિર્દેશક છે સાજીદ ખાન

મુંબઇ તા. ૨૨: એકતા આર. કપુર અને અમર બુટાલાએ અનોખી હોરર-કોમેડી ફિલ્મ ‘હીરો કી હીરોઇન' માટે હાથ મિલાવ્યો છે. સાજિદ ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ૭ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જય હો મીડિયા વેન્ચર્સની આ ફિલ્મને બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડ રજૂ કરી રહ્યું છે. ફિલ્મનું નિર્માણ શોભા કપૂર, એકતા આર. કપુર અને અમર બુટાલાએ કર્યું છે.
અલગ-અલગ પ્રકારની વાર્તાઓ રજૂ કરવા માટે જાણીતી એકતા આર. કપુરનો હૉરર-કૉમેડી જૉનર સાથે ખાસ સંબંધ રહ્યો છે. તેમની ફિલ્મોમાં હૉરર, રોમાન્સ, કૉમેડી અને મનોરંજનનું મિશ્રણ જોવા મળતું આવ્યું છે. અમર બુટાલા અગાઉ ‘બજરંગી ભાઈજાન', ‘કેસરી' અને ‘મિશન મજનૂ' જેવી જાણીતી ફિલ્મોનું નિર્માણ કરી ચૂકયા છે. સાજિદ ખાનના નિર્દેશનમાં બનેલી ‘હીરો કી હીરોઇન'માં યશવર્ધન આહુજા, નિતાંશી ગોયલ, સુનીતા આહુજા, જેમી લીવર, ચંકી પાંડે, બળજેન્દ્ર કાલા અને સિમરત કૌર રંધાવા જેવા કલાકારો જોવા મળશે. ફિલ્મમાં સુપરનેચરલ વાર્તાને કૉમેડીના અંદાજમાં રજૂ કરવામાં આવશે. તેમાં હૉરર, રોમાન્સ અને કૉમેડીનું મજેદાર મિશ્રણ જોવા મળશે. યશવર્ધન આહુજા જે ગોવિંદાના પુત્ર છે તેના માટે હિન્દી સિનેમામાં લીડ એક્ટર તરીકે આ ડેબ્યુ ફિલ્મ છે. તેની સાથે નિતાંશી ગોયલ મુખ્ય ભુમિકામાં જોવા મળશે.
