ગોવામાં યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ સંબંધોને આપ્યો કાયદાકીય દરજ્જો: લિવ-ઇન રિલેશનશિપ અને બે બાળકો બાદ બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ અને ગેબ્રિએલા ડેમેટ્રિએડિસે સાદા ડ્રેસમાં રજિસ્ટ્રાર ઓફિસ પહોંચી કોર્ટ મેરેજ કર્યા
વર્ષ ૨૦૧૮થી સાથે રહેતા આ કપલે સ્થાપનિક કોર્ટમાંથી વિશેષ મંજૂરી મેળવી ૧૫ દિવસના વેટિંગ પિરિયડમાં છૂટછાટ મેળવી હતી; ઉત્તર ગોવાના માપુસામાં સબ-રજિસ્ટ્રાર કાર્યાલય ખાતે નજીકના મિત્રોની હાજરીમાં કાયદાકીય વિધિ પૂર્ણ કરવામાં આવી

ગોવા :બોલિવૂડના જાણીતા અભિનેતા અર્જુન રામપાલ અને તેમની લાંબા સમયની સંગિની તથા દક્ષિણ આફ્રિકન મોડેલ-ડિઝાઇનર ગેબ્રિએલા ડેમેટ્રિએડિસે પોતાના સંબંધોને સત્તાવાર રીતે લગ્નનું રૂપ આપી દીધું છે. આ યુગલે ગોવાના માપુસા સ્થિત સબ-રજિસ્ટ્રાર કાર્યાલયમાં જઈને કાયદેસર રીતે કોર્ટ મેરેજ રજિસ્ટર કરાવ્યા છે.
ઉત્તર ગોવાના માપુસા સબ-રજિસ્ટ્રાર કાર્યાલય ખાતે સબ-રજિસ્ટ્રાર સુરજ વર્ણેકરે આપેલી માહિતી મુજબ, અર્જુન રામપાલ અને ગેબ્રિએલાના લગ્ન ગોવાના યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) હેઠળ નોંધવામાં આવ્યા છે. હાલમાં પંજી નજીકના સુકોરો (Succoro) ગામમાં રહેતું આ કપલ બપોરે આશરે ૪ વાગ્યે અત્યંત સાદા કેઝ્યુઅલ કપડાંમાં રજિસ્ટ્રાર ઓફિસે પહોંચ્યું હતું અને અત્યંત સાદગીપૂર્ણ રીતે નજીકના સ્વજનો તથા મિત્રોની હાજરીમાં તમામ સરકારી વિધિઓ પૂરી કરી હતી.
સ્થાનિક લગ્ન કાયદા મુજબ પ્રથમ અને દ્વિતીય સહી વચ્ચે ૧૫ દિવસનો ફરજિયાત સમયગાળો હોય છે. જોકે, આ દંપતીએ સ્થાનિક કોર્ટના આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર પાસેથી ખાસ પરવાનગી મેળવીને આ ૧૫ દિવસના વેટિંગ પિરિયડમાંથી મુક્તિ મેળવી હતી. સબ-રજિસ્ટ્રારના જણાવ્યા મુજબ, આગામી ૧૫ દિવસ બાદ તેમને લગ્નનું સત્તાવાર પ્રમાણપત્ર સુપ્રત કરવામાં આવશે.
આઠ વર્ષ લાંબી સફર અને બે બાળકો:
અર્જુન રામપાલ અને ગેબ્રિએલા વર્ષ ૨૦૧૮થી એકબીજા સાથે પ્રેમસંબંધમાં છે અને લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. આ કપલને બે પુત્રો છે, જેમાંથી મોટા પુત્ર અરિક (Arik)નો જન્મ ૨૦૧૯માં અને નાના પુત્ર અરવ (Ariv)નો જન્મ ૨૦૨૩માં થયો હતો. અગાઉ એક પોડકાસ્ટ દરમિયાન અર્જુને ખુલાસો કર્યો હતો કે તેઓ સગાઈ કરી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે ગેબ્રિએલા સાથેના સંબંધો પહેલાં અર્જુન રામપાલના લગ્ન પૂર્વ સુપરમોડેલ મહેર જેસિયા સાથે થયા હતા, જેમનાથી તેમને બે પુત્રીઓ માહિકા અને માયરા છે. ૨૦૧૮માં મહેર સાથે અલગ થયા બાદ ૨૦૧૯માં તેમના વિવાહ વિચ્છેદ (ડિવોર્સ)ને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે અર્જુન અને ગેબ્રિએલાએ કાયદાકીય રીતે એકબીજાનો હાથ પકડીને નવી જીવનયાત્રા શરૂ કરી છે.
