<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 24th August 2026

સાઉથ સુપરસ્‍ટાર સૂર્યાની વિશ્વનાથ એન્‍ડ સન્‍સ બોક્‍સ ઓફિસ પર સુપરહીટ

રિલીઝના ૯ દિવસ બાદ પણ પ્રેક્ષકોમાં આ ફિલ્‍મ માટે ભારે ક્રેઝ

મુંબઈ તા.૨૪: સાઉથ સિનેમાના સુપરસ્‍ટાર સૂર્યાની નવી ફિલ્‍મ ‘વિશ્વનાથ એન્‍ડ સન્‍સ' હાલ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. રિલીઝના ૯ દિવસ બાદ પણ પ્રેક્ષકોમાં આ ફિલ્‍મ માટે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બીજા વિકએન્‍ડમાં ફિલ્‍મની કમાણીમાં મોટો ઉછાળો નોંધાયો છે, જેનાથી મેકર્સ માલામાલ થઈ ગયા છે. થિયેટરોમાં ફિલ્‍મની સ્‍ટારકાસ્‍ટના અભિનય તેમજ સૂર્યાની પ્રશંસા થઈ રહી છે. 

બોક્‍સ ઓફિસ અહેવાલ મુજબ, સૂર્યાની આ ફિલ્‍મે ૯મા દિવસે પણ મજબૂત પકડ જાળવી રાખીને રૂપિયા ૭.૨૫ કરોડનું શાનદાર નેટ કલેક્‍શન કર્યું છે. શનિવારે થિયેટરોમાં આશરે ૪૧.૩્રુ ઓક્‍યુપેન્‍સી નોંધાઈ હતી અને દેશભરમાં લગભગ ૩,૦૦૭ થી વધુ શો ચલાવવામાં આવ્‍યા હતા. પ્રથમ અઠવાડિયામાં જબરદસ્‍ત પ્રતિસાદ મેળવ્‍યા બાદ હવે બીજા વિકએન્‍ડ પર પણ ફિલ્‍મે કમાણીનો આ સિલસિલો યથાવત રાખ્‍યો છે. 

કમાણીના આંકડાઓની વાત કરવામાં આવે તો, ભારતમાં આ ફિલ્‍મે માત્ર ૯ દિવસમાં રૂપિયા ૯૩.૩૫ કરોડનું નેટ કલેક્‍શન કરી લીધું છે. જ્‍યારે ભારતનું કુલ ગ્રોસ કલેક્‍શન રૂપિયા ૧૦૦ કરોડનો આંકડો વટાવીને રૂપિયા ૧૦૭.૯૭ કરોડ સુધી પહોંચી ગયું છે. બીજી તરફ, વૈશ્વિક સ્‍તરે પણ ફિલ્‍મનો જાદુ ચાલ્‍યો છે અને ફિલ્‍મે અત્‍યાર સુધીમાં કુલ રૂપિયા ૧૬૦.૨૨ કરોડની જંગી કમાણી કરી લીધી છે.

 

(10:07 AM IST)