<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 26th August 2026

ગુજરાતી ફિલ્મ ‘અસંભાઉઉઉ’ની ટીમે અમદાવાદના ગોટીલો ગાર્ડન ખાતે પેટ પેરેન્ટ્સ સાથે ઉજવ્યો આંતરરાષ્ટ્રીય ડોગ ડે : ‘ભાઉ ભાઉ’ સોંગ બન્યું આકર્ષણનું કેન્દ્ર : જુઓ વિડિયો

માણસ અને શ્વાન વચ્ચેના પ્રેમ તેમજ વફાદારીને દર્શાવતી પાર્થ ત્રિવેદી દિગ્દર્શિત ફિલ્મ ૪ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે : રૌનક કામદાર, મિત્ર ગઢવી, તત્સત મુનશી અને શિવાની ભારદ્વાજે ડોગ પરેડમાં હાજરી આપી જમાવ્યો રંગ

અમદાવાદ:આંતરરાષ્ટ્રીય ડોગ ડે નિમિત્તે અમદાવાદના ગોટીલો ગાર્ડન ખાતે એક ખાસ અને મનોરંજક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગામી ગુજરાતી ફિલ્મ ‘અસંભાઉઉઉ’ ની ટીમે પેટ પેરેન્ટ્સ અને તેમના શ્વાન મિત્રો સાથે ખાસ દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ફિલ્મના મુખ્ય કલાકારો રૌનક કામદાર, મિત્ર ગઢવી, તત્સત મુનશી અને શિવાની ભારદ્વાજ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.

 

યોજાયેલી ખાસ ડોગ પરેડ દરમિયાન કલાકારોએ પેટ પેરેન્ટ્સ અને તેમના શ્વાન મિત્રો સાથે રસપ્રદ વાતચીત કરી આનંદભરી ક્ષણો વિતાવી હતી. પોતાના પ્રિય કલાકારોને નજીકથી મળવાની અને પોતાના પાલતુ શ્વાન સાથે ખાસ દિવસ ઉજવવાની તક મળતાં જ પેટ પેરેન્ટ્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ફિલ્મનું લોકપ્રિય 'ભાઉ ભાઉ' સોંગ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણમાં ફિલ્મી રંગ છવાઈ ગયો હતો. આ ગીત માણસ અને શ્વાન વચ્ચેના અનોખા સંબંધને અત્યંત હળવા-ફૂલકા અને મનોરંજક અંદાજમાં રજૂ કરે છે.

 

આ તકે કલાકારોએ જણાવ્યું હતું કે ‘અસંભાઉઉઉ’ માત્ર એક મનોરંજક ફિલ્મ નથી, પરંતુ મૂંગા જીવો પ્રત્યેનો પ્રેમ, લાગણી અને તેમની નિઃસ્વાર્થ વફાદારીને સમજાવતી એક સુંદર વાર્તા છે. ફિલ્મમાં હાસ્ય અને લાગણી સાથે સમગ્ર પરિવાર સાથે માણી શકાય તેવો સુંદર સંદેશ પણ સમાવાયેલો છે. 'ભાઉ ભાઉ' જેવા મજેદાર ગીતો ફિલ્મની મસ્તી અને મનોરંજનને વધુ ખાસ બનાવે છે.

 

પાર્થ ત્રિવેદી દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં મિત્ર ગઢવી, રૌનક કામદાર, શિવાની ભારદ્વાજ, તત્સત મુનશી અને ચેતન દૈયા જેવા જાણીતા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાસ્ય, લાગણી, કૌટુંબિક ભાવના તેમજ માનવ અને શ્વાન વચ્ચેના ખાસ સંબંધ પર આધારિત આ ફિલ્મ ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, જેને લઈને દર્શકોમાં અત્યારથી જ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

(7:22 PM IST)