'પદ્માવત' જૌહર વિવાદમાં સ્વરા ભાસ્કરના સમર્થનમાં આવ્યા પતિ ફહાદ અહમદ: "જો આરોપ સાચા સાબિત થાય તો કોઈપણ સજા ભોગવવા તૈયાર"
રાણી પદ્માવતી અને જૌહર કરનારી મહિલાઓને 'કાયર' કહ્યાના આક્ષેપો સામે NCP-SP નેતાએ વિરોધીઓને આપ્યો ખુલ્લો પડકાર; ટિપ્પણીનું ખોટું ભાષાંતર કરાઈ રહ્યું હોવાની સ્વરાએ પણ આપી સ્પષ્ટતા

મુંબઈ, તા.૦૨: સંજય લીલા ભણસાલીની સુપરહિટ ફિલ્મ 'પદ્માવત'ના ક્લાઇમેક્સ અને જૌહર દ્રશ્ય પર અભિનેત્રી સ્વરા ભાસ્કરની જૂની ટિપ્પણી વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો થયો છે. હવે આ વિવાદમાં સ્વરાના પતિ અને NCP-SP નેતા ફહાદ અહમદ પત્નીના બચાવમાં મેદાનમાં આવ્યા છે. અહમદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિરોધીઓને પડકાર ફેંકતા કહ્યું કે, જો કોઈ એક વ્યક્તિ પણ એ સાબિત કરી દે કે સ્વરાએ રાણી પદ્માવતી કે જૌહર કરનારી મહિલાઓને 'કાયર' કહ્યા છે, તો તેઓ માફી જ નહીં પરંતુ ભારતીય કાયદા મુજબની કોઈપણ સજા ભોગવવા તૈયાર છે.
આ વિવાદ વચ્ચે સ્વરા ભાસ્કરે પણ એક વિડિયો જારી કરીને પોતાની વાત સ્પષ્ટ કરી છે. સ્વરાએ જણાવ્યું હતું કે તેના નિવેદનનું ખોટું ભાષાંતર કરીને વાયરલ કરવામાં આવી રહ્યું છે. તેણે ક્યારેય રાણી પદ્માવતી અથવા જૌહર કરનારી વિરાંગનાઓને કાયર કહ્યા નથી.
જીવવાની ઈચ્છા અને બળાત્કાર સંસ્કૃતિ પર સ્વરાનું વલણ
પોતાની ટિપ્પણીનો સાચો અર્થ સમજાવતા સ્વરાએ કહ્યું કે, તે માત્ર દેશમાં પ્રવર્તમાન બળાત્કાર સંસ્કૃતિ અને મહિલાઓ સામેના ગુનાઓ સંદર્ભે વાત કરી રહી હતી. તેણે સવાલ ઉઠાવ્યો હતો કે શું ફિલ્મોએ એવો સંદેશ આપવો જોઈએ કે સ્ત્રીની શારીરિક શુદ્ધતા તેના જીવન કરતાં વધુ મૂલ્યવાન છે? નિર્ભયાના કેસનો ઉલ્લેખ કરતા સ્વરાએ ભારપૂર્વક કહ્યું કે, બળાત્કાર જેવા ભયાનક ગુનાનો ભોગ બન્યા પછી પણ દરેક મહિલાને આત્મસન્માન સાથે જીવવાનો પૂરો અધિકાર છે અને કોઈએ પણ મહિલાની જીવવાની ઈચ્છાને ઓછી ન આંકવી જોઈએ.
