અભિનેતા દર્શન જરીવાલાનો અલગ થયેલી પત્ની અપરા મહેતા પર પલટવાર: 'સૌથી કદરૂપી સ્ત્રી' કહેવાના દાવાને ગણાવ્યો તથ્યહીન
૨૩ વર્ષ પછી જૂના વિવાદો જાહેર કરવા પર દર્શન જરીવાલાએ ઉઠાવ્યા સવાલો; નવા સંબંધની પુષ્ટિ કરતા કહ્યું- "હું મારું સત્ય જાણું છું અને જીવનમાં આગળ વધી ચૂક્યો છું"

મુંબઈ, તા.૦૨: ગુજરાતી અને હિન્દી મનોરંજન જગતના જાણીતા અભિનેતા દર્શન જરીવાલા અને તેમની અલગ રહેતી પત્ની તથા અભિનેત્રી અપરા મહેતા વચ્ચેનો જૂનો વિવાદ ફરી એકવાર જાહેરમાં આવ્યો છે. અપરા મહેતા દ્વારા તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં દર્શન જરીવાલા પર એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે અલગ થતી વખતે દર્શને તેમને 'સૌથી કદરૂપી સ્ત્રી' કહી હતી. આ દાવા સામે હવે દર્શન જરીવાલાએ સખત વિરોધ નોંધાવતા તેને 'ખોટી યાદશક્તિનો કેસ' ગણાવ્યો છે.
દર્શન જરીવાલાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, "જે રીતે આ વાત રજૂ કરવામાં આવી છે તેવું કશું જ બન્યું નહોતું. હું સાદી દેખાતી સ્ત્રીને પણ ક્યારેય કદરૂપી કહેનારો વ્યક્તિ નથી." તેમણે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ ૨૨ વર્ષ સાથે રહ્યા અને છેલ્લા ૨૩ વર્ષથી અલગ રહે છે, તો પછી આટલા દાયકાઓ પછી આ મુદ્દો જાહેરમાં કેમ ચર્ચાઈ રહ્યો છે? દર્શને અપરા પર ‘વિકટિમ કાર્ડ’ રમવાનો અને અન્યાયી પીડિતા તરીકે રજૂ થવાનો આરોપ પણ લગાવ્યો હતો.
છૂટાછેડા રદ થવાનું કારણ અને નવા સંબંધની પુષ્ટિ
પોતાના લગ્નજીવનના અંત અંગે દર્શને ખુલાસો કર્યો હતો કે બંને પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માટે તૈયાર થયા હતા. પરંતુ કોર્ટે કાર્યવાહી દરમિયાન અપરાએ ન્યાયાધીશ સમક્ષ પોતાનો વિચાર બદલી નાખ્યો હતો, જેના કારણે સંમતિના અભાવે છૂટાછેડાના કાગળો રદ થયા હતા.
આ સાથે જ દર્શન જરીવાલાએ પુષ્ટિ કરી છે કે તેઓ હાલમાં એક નવા સંબંધમાં છે અને અપરા આ વાતથી પહેલેથી જ વાકેફ છે. ઉલ્લેખનીય છે કે દર્શન જરીવાલા અને અપરા મહેતાના લગ્ન ૧૯૮૨ માં થયા હતા અને ૨૦૦૩ થી તેઓ એકબીજાથી અલગ રહે છે. તેમને ખુશાલી જરીવાલા નામે એક પુત્રી પણ છે.
