બોલિવૂડ ઇતિહાસમાં પહેલીવાર મોટા પડદા પર ઉજવાશે પવિત્ર 'છઠ ઉત્સવ': અભિનેત્રી તમન્ના ભાટિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'ભવાન' માં જોવા મળશે અદ્ભુત સાંસ્કૃતિક નજારો!
દિવાળી પછી ઉજવાતા મહાપર્વ છઠ પૂજાની ધાર્મિક અને પ્રકૃતિ-પ્રેરિત પરંપરાઓ ફિલ્મના ગીત દ્વારા થિયેટરોમાં ગુંજશે; અભિનેત્રીએ છઠી મૈયા સાથેના આધ્યાત્મિક અનુભવને કર્યો વાગોળ્યો

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની આગામી બહુચર્ચિત ફિલ્મ 'ભવાન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ' ને લઈને એક અત્યંત રોચક સમાચાર સામે આવ્યા છે. આ ફિલ્મમાં ભારતીય સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર છઠ પૂજાની જીવંત અને પવિત્ર પરંપરાઓને મોટા પડદા પર દર્શાવવામાં આવશે. ફિલ્મનું 'છઠી મૈયા' ગીત અને તેની સાથે જોડાયેલી ધાર્મિક વિધિઓ દર્શકો માટે એક નવો અને દિવ્ય અનુભવ લઈને આવી રહી છે, જે આગામી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
શું છે છઠ પૂજા અને ફિલ્મમાં તેનું મહત્વ?
બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશમાં અત્યંત આસ્થા સાથે ઉજવાતો ચાર દિવસીય છઠ મહાપર્વ સૂર્ય દેવ અને છઠી મૈયાને સમર્પિત છે. આ તહેવારમાં કઠિન ઉપવાસ, સ્વચ્છતા અને જળાશયોમાં ઊભા રહીને સૂર્યોદય તથા સૂર્યાસ્ત સમયે અર્ઘ્ય આપવાની પ્રાચીન પરંપરા છે. અભિનેત્રી તમન્ના ભાટિયાએ જણાવ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ કરતી વખતે તેણે છઠ પૂજાના ઊંડા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોને ખૂબ નજીકથી સમજ્યા છે. ધાર્મિક વિધિઓથી પ્રભાવિત થઈને તેણે છઠી મૈયા સાથે એક મજબૂત આધ્યાત્મિક જોડાણ પણ અનુભવ્યું છે.
માનવ અને પ્રકૃતિ વચ્ચેના અતૂટ સંબંધની ઝાંખી
આ ફિલ્મ માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભારતીય લોકકથાઓ, વન સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેના માનવના સંબંધોને પણ ઉજાગર કરે છે. છઠ પૂજા દરમિયાન અપાતો પરંપરાગત પ્રસાદ જેમ કે ઠેકુઆ, ફળો અને પવિત્ર લોકગીતો આપણી સમૃદ્ધ મૌખિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જીવંત રાખે છે. મોટા પડદા પર આ મહાપર્વની ઝાંખી થવાથી ઉત્તર ભારતીય સંસ્કૃતિ વૈશ્વિક સ્તરે વધુ ઉજાગર થશે અને દર્શકોને સિનેમાઘરોમાં એક અનોખો સાંસ્કૃતિક માહોલ જોવા મળશે.
