<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 10th September 2026

‘હનુમાન અંશ ૨’માં વિરાટ-અનુષ્કાની ઝલક? નિર્માતાએ અટકળો પર ખોલ્યાં પત્તાં, હજી સત્તાવાર મહોર બાકી; દર્શકોની ઉત્સુકતા પહોંચી શિખરે

ત્રણ ભાગની આધ્યાત્મિક ગાથા, બીજા ભાગની પટકથા હજુ લખાઈ નથી; જાણીતી હસ્તીઓને સંપર્ક, પસંદગી અંગે નિર્ણય જાહેર થશે બાદમાં

મુંબઈ: નીમ કરોલી બાબાના જીવન અને આધ્યાત્મિક પ્રભાવ પર આધારિત ફિલ્મ ‘હનુમાન અંશ’ની સફળતા બાદ હવે તેના બીજા ભાગને લઈને ચર્ચાઓ તેજ બની છે. ભારતીય ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા ‘હનુમાન અંશ ૨’માં વિશેષ ભૂમિકામાં જોવા મળશે તેવી અટકળો વહેતી થઈ છે. જોકે ફિલ્મનાં સહનિર્માતા નમ્રતા સિંહે સ્પષ્ટ કર્યું છે કે બંનેની હાજરી અંગે હજી કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી.

નમ્રતા સિંહના જણાવ્યા પ્રમાણે કેટલાક જાણીતા ભારતીય અને વિદેશી મહાનુભાવોનો સંભવિત વિશેષ ભૂમિકા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. વિરાટ અને અનુષ્કા નીમ કરોલી બાબા પ્રત્યે શ્રદ્ધા ધરાવે છે, પરંતુ તેમની સાથે અંતિમ સમજૂતી થઈ હોવાની વાતની નિર્માતાએ પુષ્ટિ કરી નથી.

ફિલ્મને આરંભથી જ ત્રણ ભાગમાં રજૂ કરવાની યોજના હતી. પ્રથમ ભાગમાં કૈંચીધામ સાથે જોડાયેલા નીમ કરોલી બાબાના પ્રારંભિક જીવનને સ્થાન અપાયું છે. બીજો ભાગ આ આધ્યાત્મિક યાત્રાને વધુ ઊંડાણથી રજૂ કરશે, જ્યારે ત્રીજા ભાગમાં તેમના વૈશ્વિક પ્રભાવ અને વિદેશી હસ્તીઓ સાથેના આધ્યાત્મિક જોડાણને આવરી લેવાની યોજના છે. બીજા ભાગની પટકથા હજી લખાઈ નથી અને સર્જકમંડળ લગભગ ત્રણ મહિના બાદ તૈયારી શરૂ કરશે.

(9:50 PM IST)