<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 11th September 2026

સંગીત જગતના સુવર્ણ યુગનો અદ્ભુત રણકો: ૯૦ વર્ષની વયે ગાયેલું આશા ભોસલેનું છેલ્લું ગીત YouTube પર વાયરલ, ૨૪ કલાકમાં લાખો લોકો ભાવુક થયા!

ફિલ્મ ‘ઓમ કા હરિ’નું ‘એ મેરી જિંદગી, તૂ છુપી હૈ કહાં...’ ગીત ધૂમ મચાવી રહ્યું છે; રેકોર્ડિંગ દરમિયાન આશા તાઈએ કટ-પેસ્ટ કરવાની ના પાડીને દરેક લાઈન જાતે ગાઈ અનોખી મિસાલ કાયમ કરી.

મુંબઈ, તા.૧૧: હિન્દી સિનેમા અને ભારતીય સંગીત જગતની દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનો અવાજ આજે પણ કરોડો સંગીતપ્રેમીઓના દિલ પર રાજ કરે છે. ૯૦ વર્ષની વયે તેમણે ગાયેલું તેમનું છેલ્લું ગીત ‘એ મેરી જિંદગી, તૂ છુપી હૈ કહાં...’ YouTube પર રિલીઝ થતાં જ વાયરલ થઈ ગયું છે. ફિલ્મ ‘ઓમ કા હરિ’ના આ સદાબહાર ગીતે મુંબઈમાં ખાસ ગ્રાન્ડ લોન્ચિંગ બાદ ઈન્ટરનેટ પર ધમાકો મચાવ્યો છે. ગીત રિલીઝ થયાના માત્ર ૨૪ કલાકમાં જ તેને ૫.૫ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને સમગ્ર સોશિયલ મીડિયા પર આશા તાઈના આ જાદુઈ અવાજની જ ચર્ચા ચાલી રહી છે.

 

ગીતના વીડિયોમાં એક તરફ આશા ભોસલે સ્ટુડિયોમાં ઉમંગથી રેકોર્ડિંગ કરતા નજરે પડે છે, તો બીજી તરફ સામાન્ય માનવીના સંબંધો અને પ્રેમની સુંદર વાર્તા વણવામાં આવી છે. આ ગીત સાંભળીને દેશ-વિદેશના ફેન્સ અત્યંત ભાવુક થઈ રહ્યા છે. ફાસ્ટ અને એનર્જેટિક મ્યુઝિક સાથે આશા તાઈનો ક્યારેય ન વૃદ્ધ થતો અવાજ સાંભળીને ચાહકો તેને સંગીતમય યુગની અણમોલ ભેટ ગણાવી રહ્યા છે. ફિલ્મના નિર્દેશક હરીશ વ્યાસે પણ આશા ભોસલેના ઉત્સાહના વખાણ કરતા જણાવ્યું હતું કે ૯૦ વર્ષની ઉંમરે પણ તેમની અંદર ૧૯ વર્ષની નટખટ યુવતી જેવી ઉર્જા અને સમર્પણ જોવા મળતું હતું.

 

રેકોર્ડિંગ દરમિયાન બનેલો એક રોચક કિસ્સો શેર કરતા નિર્દેશકે જણાવ્યું કે જ્યારે સાઉન્ડ રેકોર્ડિસ્ટે ટેકનિકલ રીતે કેટલીક લાઈનો કટ-પેસ્ટ કરવાની સલાહ આપી, ત્યારે આશા તાઈએ ચોખ્ખી ના પાડી દીધી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "હું જ્યારે પોતે હાજર છું, તો જાતે જ ગાઈશ." તેમણે દરેક કડી ફરીથી ગાઈને મ્યુઝિક પ્રત્યે પોતાની નિષ્ઠા સાબિત કરી હતી. ૧૮ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ ‘ઓમ કા હરિ’માં અંશુમન ઝા, રઘુબીર યાદવ અને સોની રાઝદાન મુખ્ય ભૂમિકામાં છે, પરંતુ આશા ભોસલેના આ અંતિમ ગીતે ફિલ્મ પ્રત્યે ચાહકોની ઉત્સુકતા ચરમસીમાએ પહોંચાડી દીધી છે.

 

(5:20 PM IST)